જામનગર નજીક દોઢિયા ગામ પાસેથી સિક્કા પોલીસે બે વાહનોમાં લઈ જવાતો ડીઝલનો જંગી જથ્થો પકડી પાડ્યો
image : Freepik
રૂપિયા ચાર લાખની કિંમતનું ડીઝલ તથા બે બોલેરો પીકપ વાહન સહિત સવા બાર લાખની માલમતા કબજે: પાંચની અટકાયત
જામનગર,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર
જામનગર નજીક ચાંપાબેરાજા ગામ થી દોઢીયા તરફ બે બોલેરો પીકપ વાહનો જઈ રહ્યા છે, જેમાં ડીઝલનો શંકાસ્પદ મનાતો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, તેવી બાતમીના આધારે સિક્કા પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોની અટકાયત કરી છે, અને 4,500 લિટર ડીઝલ, બે વાહનો અને મોબાઈલ ફોન સહિત રૂપિયા સવા બાર લાખની માલમતા કબજે કરી છે.
જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એચ. બાર અને તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામથી દોઢીયા ગામ તરફ બે બોલેરો પીકપ વાહન જઈ રહ્યા છે, અને તેમાં છળકપટ થી અથવા તો ચોરીથી ડીઝલનો મોટો જથ્થો એકત્ર કરીને લઈ જવામાં આવી રહ્યો છે.
જે બાતમીના આધારે વોચ ગોઠવી દોઢિયા ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા જી.જે. 36 વી 5860 તેમજ જી.જે 13 એ.એક્સ 1256 નંબરના બે બોલેરા પીકઅપ વાહનને અટકાવીને બંને વાહનોની તલાસી લેતાં અંદરથી 4,500 લિટર જેટલો ડીઝલનો જંગી જથ્થો બેરલ વગેરેમાં ભરેલો મળી આવ્યો હતો. ઉપરાંત પ્લાસ્ટિકની પાઇપના ટુકડાઓ પણ મળ્યા હતા. જે તમામના બીલા આધાર વગેરેની માંગણી કરતાં બન્ને વાહનચાલકો કોઈ આધાર પુરાવા આપી શક્યા ન હતા. જેથી સિક્કા પોલીસ દ્વારા ડીઝલનો જથ્થો અને બન્ને બોલેરો વાહન અને છ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 12,25,000ની માલમતા શક પડતી મિલકત તરીકે કબજે કરી છે.
જયારે શંકાસ્પદ ગણાતો ડીઝલનો જથ્થો કે જેની હેરાફેરી કરી રહેલા જામનગરના બેડી વિસ્તારમાં રહેતા આસિફ હુસેનભાઇ ભટ્ટી, મોરબી તાલુકાના વેજલપર ગામના અજય રમેશભાઈ ગડેશિયા, જામનગરમાં રહેતા રિયાઝ કરીમભાઈ લધાણી, તેમજ માળિયા મીયાણા ના જુના સ્ટેશન પાસે રહેતા અબ્દુલ અનવરભાઈ ભટ્ટી અને મોરબી તાલુકાના માનસર ગામના નિકુલ જશુભાઈ બાવળીયા ની અટકાયત કરી લઈ તમામને વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.