જામનગરમાં યુવાનની આત્મહત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા, ધંધામાં ભાગીદારે 50 લાખનો આર્થિક ફટકો આપતાં ભર્યું હતું પગલું
Jamnagar Suicide Case : જામનગરમાં શાંતિ હાર્મોનીમાં રહેતા પર પ્રાંતિય વેપારી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે ભાગીદારના 50 લાખ રૂપિયાના ગોટાળાના કારણે પોતે આર્થિક તંગીમાં આવી જતા આત્મહત્યાનું પગલું ભરેલું હોવાનું જાહેર થયું છે, અને પોલીસે પરપ્રાંતિય વેપારીને આત્મહત્યાની ફરજ પાડવા અંગે તેના ભાગીદાર સામે ગુનો નોંધ્યો છે.
આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં રોજી પેટ્રોલ પંપની સામે શાંતિ હારમોનીના બ્લોક નંબર 1002 માં રહેતા અને કોમલ સેલ્સ એજન્સી ચલાવતા રાજેશ મોતીરામ ખન્ના નામના 42 વર્ષના વેપારી યુવાને ગત 10.9.2024 ના રોજ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જે બનાવ અંગે મૃતકની પત્ની મમતાબેન ખન્નાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના મહિલા પીએસઆઇ એમ.વી.દવે મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાં વેપારીને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે તેમના ધંધાના ભાગીદાર જામનગરના મેહુલ નગરમાં રહેતા હાર્દિક ગીરીશભાઈ વોરાની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું.
મૃતકની પત્ની દ્વારા જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન રાજેશ કુમાર ખન્નાએ પોતાની પેઢી કે જેમાં પતિ પત્ની બંને ભાગીદાર છે, જેના ધંધાના વિકાસ માટે પોતાના ભાગીદાર એવા હાર્દિકભાઈને અલગ-અલગ લોન મારફતે પૈસા મેળવીને 50 લાખ રૂપિયા રોકાણ કરવા માટે આપ્યા હતા, અને તેના આધારે ધંધો કર્યો હતો.
પરંતુ લાંબા સમયથી ધંધાનો કોઈ હિસાબ આપ્યો ન હતો, અને નફા નુકસાની અંગેની કોઈ જાણકારી ન આપી હોવાથી રાજેશભાઈ ખન્ના આર્થિક તંગી અનુભવી રહ્યા હતા, અને પોતાને માનસિક દબાણ આવી જતાં આખરે તેમણે આત્મહત્યા કરી લેવાનો રસ્તો અપનાવી લીધો હતો.
જેથી પોલીસ દ્વારા મમતાબેનની ફરિયાદના આધારે તેના પતિના ભાગીદાર હાર્દિકભાઈ ગીરીશભાઈ વોરા સામે આત્મહત્યાની દુષપ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધ્યો છે, અને આરોપીની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.