'છોટીકાશી'માં પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસને સોમવતી અમાસના સંગમે શિવાલયોમાં શિવ ભક્તો ઉમટ્યા : 'હર હર મહાદેવ' નો નાદ ગૂંજયો
Jamnagar Shravan Special : 'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત તેમજ નાના મોટા અનેક શિવાલયોની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસ અને જોગાનું જોગ સોમવારનો દિવસ હોવાથી સોમવતી અમાસનું ખૂબ મહત્વ છે, ત્યારે ભગવાન શિવજીની ભક્તિનો મહિમા અપરંપાર જોવા મળ્યો હતો. આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અને પાંચમા સોમવારે વહેલી સવારથીજ પ્રત્યેક શિવાલયોમાં શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા, જેઓના મુખેથી પવિત્ર શ્રાવણ માસના દર્શન સાથે 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો અને ઘંટારવ સંભળાયો હતો.
શહેરમાં આજે શ્રાવણ માસના અંતિમ અને પાંચમા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેકની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા અને પુર-પ્રકોપથી રક્ષા કાજેની અંતિમ પ્રાર્થના કરી હતી.
જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, જેના ચારેય દ્વારેથી દર્શન કરી શકાય તેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં સોમવતી અમાસે વહેલી સવારથી જ શિવ ભક્તો એ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક-જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્રને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.
જામનગરના પ્રત્યેક શિવાલયોમાં પ્રતિદિન સાંજે નિત નવા દર્શનની ઝાંખી જોવા મળી હતી જ્યારે નગરના મોટાભાગના શિવાલયોને ઝળહળતી રોશનીથી સજજ બનાવી દેવાયા હતા. જેનો અનન્ય નજારો નિહાળીને શિવભક્તો સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાવવિભોર થયા હતા.
શ્રી કાશી વિશ્વનાથ મહાદેવને સૂકામેવાનો શ્રીંગાર
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનાં મંદિરે શ્રાવણ માસ દરમ્યાન દેવાધિદેવ મહાદેવને પ્રતિદિન વિશિષ્ટ શ્રીંગાર કરવામાં આવે છે. ગઇકાલે શ્રાવણીયા માસની પૂર્વ સંધ્યાએ ભોળાનાથને સૂકામેવાનાં શ્રીંગાર છે અર્પણ કરવામાં આવ્યા હતા. કાજુ-બદામ, અખરોટ, કિસમિસ, એલચી, અંજીર સહિતનાં સૂકામેવા સાથે ભગવાનનાં અદ્ભૂત શ્રીંગાર સાથેની અલૌકિક ઝાંખી નિહાળી ભક્તો ધન્ય થઇ ગયા હતા.
પીપળાનાં વૃક્ષ ધરાવતા શિવાલયોમાં ભક્તોની વિશેષ ભીડ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં શ્રાવણ મહિનાની અમાસ સોમવારે હોય ભોળાનાથનાં ભક્તોમાં આજનાં દિને શિવ આરાધનાનો બમણો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો ઉમટ્યા હતાં. શ્રાવણ મહિનાની અમાસનાં પિતૃ પૂજનનું ખાસ મહત્વ હોય સનાતન હિંદુ ધર્મની પરંપરા મુજબ પિતૃ કૃપા માટે લોકોએ પીપળે પાણી રેડીને પૂર્વજોનાં આશીર્વાદ મેળવવા પ્રયાસ કર્યો હતો. નગરનાં પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ઉપરાંત શ્રી વૈજનાથ મહાદેવ મંદિર સહિતનાં એવા શિવાલયો કે જ્યાં પીપળાનું વૃક્ષ પણ હોય ત્યાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળી હતી. ઘણા શિવાલયો તથા ધર્મસ્થાનોમાં નારાયણ બલિ જેવા પિતૃ કાર્યો પણ કરવામાં આવ્યા હતાં. લોકોએ શ્રાવણ મહિનાનાં અંતિમ દિને ભોળાનાથની સાથે જ પૂર્વજોને પણ રિઝવવા ધર્મકાર્ય કર્યા હતાં.