જામનગરમાં શીતળા સાતમની ઉજવણી: શીતળા માતાનાં મંદિરે ભક્તો ઉમટ્યા
શ્રાવણ મહિનામાં આવતી શીતળા સાતમનું પર્વ જામનગરમાં ભક્તિભાવથી ઉજવાયું હતું. શહેરના વિવિધ મંદિરોમાં માતા શીતળાનાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. શહેરનાં નાગેશ્વર વિસ્તાર, ચાંદીબજાર વિસ્તાર, તથા પૌરાણિક શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે આવેલ શ્રી શીતળા માતાનાં મંદિરે ભક્તો ઉમટ્યા હતા.ખાસ કરીને ચાંદી વિસ્તારમાં આવેલ નાના શીતળા માતાજીનાં મંદિરે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
પરંપરા મુજબ, શ્રાવણ મહિનામાં બે શીતળા સાતમ આવે છે. આ વર્ષે સુદ સાતમ 11 ઓગસ્ટને રવિવારના રોજ ઉજવાઈ હતી. આ પર્વે પરણિત સ્ત્રીઓ વ્રત રાખે છે અને ઠંડા પાણીથી સ્નાન કરીને માતા શીતળાની પૂજા કરે છે. આ દિવસે ચુલો સળગાવવામાં આવતો નથી અને ઠંડા ખાદ્ય પદાર્થોનો સેવન કરવામાં આવે છે.
શીતળા માતાને રોગનાશિની માતા માનવામાં આવે છે. ભક્તો માને છે કે માતા શીતળાની પૂજા કરવાથી રોગચાળો દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ રહે છે. ખાસ કરીને બાળકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે મહિલાઓ સાતમનું વ્રત કરે છે તથા બાળકોને શ્રી શીતળા માતાનાં મંદિરે માથુ ટેકવવા લઇ જાય છે. ઘણી જગ્યાએ ભક્તોએ માતાજીની આરતી ઉતારી અને પ્રસાદ વિતરણ કર્યું હતું. આમ, 'છોટીકાશી' કહેવાતા જામનગરનાં શીતળા સાતમની પરંપરાગત અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.