જામનગરમાં તોતિંગ વૃક્ષ ધરાસાઈ થતાં અનેક વાહનો દબાયા : સદભાગ્ય જાનહાની ટળી, ટ્રાફીક જામના દ્રશ્ય સર્જાયા
Jamnagar Tree Collapse : જામનગરમાં ડી.કે.વી. કોલેજ રોડ પર સાંજના સમયે એક તોતિંગ વૃક્ષ તેના મૂળમાંથી ઉખડીને માર્ગ પર ધરાસાઈ થયું હતું, જેના કારણે અનેક વાહનો દબાયા હતા. ઉપરાંત વીજ પોલ અને વીજવાયર પણ અસરગ્રસ્ત થયા હતા, અને વિજ પુરવઠો ખોરવાયો હતો. સદભાગ્યે જાન હાની થઈ ન હતી, પરંતુ એક તરફ માર્ગ બંધ થયો હોવાથી વાહન વ્યવહાર અટવાયો હતો.
જામનગરમાં ડી.કે.વી કોલેજ રોડ પર સાંજના સમયે એક વર્ષો પુરાણું ઝાડ જમીનમાંથી ઉખડીને માર્ગ પર આડુ પડ્યું હતું. તે ઝાડની નીચે પાંચ બાઈક તથા બે કાર સહિતના વાહનો દબાયા હતા. ઉપરાંત બે વીજ પોલ બેવડા વળી ગયા હતા. અને અનેક વિજ વાયરો તૂટ્યા હતા. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. ઝાડ જમીનમાંથી ઉખડીને માર્ગ પર આડુ પડ્યું હોવાથી ડિવાઇડરથી એક તરફનો માર્ગ સંપૂર્ણપણે અવરજવર માટે બંધ થયો હતો, તેથી વાહન વ્યવહાર ઉપર પણ અસર જોવા મળી હતી, અને રોડની એક તરફ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. આથી ટ્રાફિક શાખાને દોડતી કરવી પડી હતી.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને ઝાડની ડાળીઓને દૂર કરવા માટેની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે, જ્યારે પટેલ કોલોની સબ ડીવીઝનની વિજ ટુકડી પણ દોડતી થઇ છે, અને વીજવાયરોને સમારકામ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.