જામનગરમાં લાખોટા તળાવની પાળે ઝળુંબતા મોત સમાન 'વાંકો વીજપોલ'
- ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરી પાસે રાહદારીઓ પર લટકતા જોખમ અંગે તંત્રની ગંભીર બેદરકારી
જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર
જામનગરમાં તળાવની પાળે ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરી અને શ્રી બાલા હનુમાન મંદિર વચ્ચે મહાનગર પાલિકાની સ્ટ્રીટ લાઈટનો એક વીજપોલ ત્રાંસો થઇ જતાં અકસ્માતજનક સ્થિતિ સર્જાઇ છે. લાયબ્રેરીનાં સંચાલકો દ્વારા મહાનગરપાલિકાને 3 દિવસથી રજૂઆત કરી હોવા છતાં કોઇ નિરાકરણ થયું નથી.
ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરીથી રણમલ તળાવ સંકુલનાં ગેઇટ નં 7 તરફ જતા આ માર્ગ પર શ્રી બાલા હનુમાન મંદિરનાં બે પ્રવેશદ્વાર તથા શ્રી સત્યનારાયણ મંદિરનો એક પ્રવેશદ્વાર આવેલો છે, ત્યારે અહીંથી પસાર થતા દર્શનાર્થીઓ સહિતનાં તમામ લોકો ઉપર સતત અકસ્માતનું જોખમ ઝળુંબી રહ્યું છે.
આજે શનિવારે શ્રી બાલા હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ થતી હોવાથી અહીં મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. ત્યારે આ મુદ્દે નિંદ્વાધીન તંત્ર અકસ્માતની પ્રતિક્ષા કરી રહ્યું હોય તેવું જણાય છે. વાંકા વીજપોલનું તાત્કાલિક સમારકામ કરવા અને અકસ્માતનું જોખમ નિવારવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.