જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરના કૌભાંડ મુદ્દે વિરોધ પક્ષના નેતાના ગંભીર આક્ષેપો

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરના કૌભાંડ મુદ્દે વિરોધ પક્ષના નેતાના ગંભીર આક્ષેપો 1 - image


Jamnagar News : જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આજે વિપક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકા ભ્રસ્ટાચારનુ એપિ-સેન્ટર બની ગયું છે. વિપક્ષના નેતા ધવલ નંદાએ દાવો કર્યો છે કે, કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વિનાનું એકેય કામ નથી થતું, અને ભૂગર્ભ ગટરની સફાઈના નામે લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો કરવા છતા કુંભકર્ણની નિંદ્રામાં સુતેલુ મહાનગરપાલિકાનું તંત્ર જાગતુ પણ નથી.

મળતા અહેવાલો મુજબ, દરરોજ નોંધાતી 170 ફરિયાદોમાંથી 90 ટકા ફરિયાદો બોગસ હોવાનું સામે આવ્યું છે. આ બોગસ ફરિયાદો કોન્ટ્રાક્ટરોના માણસો જ કરે છે, અને પછી તે જ કામ કરીને બિલ બનાવી નાણાં ખિસ્સામાં પાડે છે. અને આ સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાક્ટરો, મહાપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરો સામેલ હોવાનો આક્ષેપ સામે આવ્યા છે. ધવલ નંદાએ એમ પણ જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલાં 20 લાખ રૂપિયામાં થતું કામ હવે 4 કરોડ રૂપિયામાં થાય છે. 

આ કૌભાંડને કારણે લોકોના કરોડો રૂપિયા બગાડવામાં આવી રહ્યા છે. વિપક્ષી નેતાની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ભૂગર્ભ ગટર સાફ કરવાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે, અને ફરિયાદ મળતાં જ આ ભાવ પ્રમાણે બિલ બને છે. બે એન્જિનિયરો દ્વારા ફરિયાદની તપાસ થાય છે અને જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ છે. નંદાએ આ કૌભાંડને રોકવા માટે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરી છે. 

કૌભાંડ અંગે જામનગર મહાનગરપાલિકાના અધિકારીની પ્રતિક્રિયા 

આ સમગ્ર મામલે જોકે, જામનગર મહાનગરપાલિકાના નાયબ ઈજનેર અમિત કણસાગરાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, ભૂગર્ભ ગટર પાઈપલાઈન નેટવર્ક અને જોડાણોની સંખ્યા વધતાં ફરિયાદોની સંખ્યા પણ વધી છે. તેમણે ઉમેર્યું હતું કે, ફરિયાદોના નિકાલ બાદ રેન્ડમ પદ્ધતિએ વેરીફિકેશન કરવામાં આવે છે, અને સફાઈના નવા કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News