ઓપરેશન એન્જલમાં એન્ડોસ્કોપ કેમેરા કીટથી યુવાને નિશ્વાર્થ સેવા કરી: કલેકટરે પણ સેવાને બિરદાવી
- રાણ ગામે બોરમાં પડી ગયેલી બાળકીના રેસ્ક્યુ ઓપરેશનમાં ગોવિંદભાઈની સેવા મહત્વનો ભાગ ભજવ્યો
- ગોવિંદભાઈએ કહ્યું અફ્સોસએ રહી ગયો કે માસુમને બચાવી ન શક્યા
જામનગર,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ખુલ્લા બોરમાં પડી ગયેલ બાળકીને તમામ તંત્રએ અથાક પ્રયાસો બાદ સલામત રીતે બહાર કાઢી લીધી પણ નશીબ જોગે બાળકીને બચાવી ન શકાઈ, આઠ કલાક ઉપરાંત ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર, આર્મી, પોલીસ, વહીવટી પ્રસાસન અને અંતિમ ઘડીઓમાં પહોચેલ એનડીઆરએફની ટીમ સહિતનાઓની સયુંકત મહેનતના પરિણામે બાળકીને બોરની બહાર કાઢી લેવામાં આવી, પરંતુ આ તમામ તંત્રની હાજરીમાં જો કોઈ ખાનગી વ્યક્તિ અતિ મહત્વની સાબિત થઇ હોય તો તે છે ગોવિંદ નંદાણીયા.
બોર અંદરની સચોટ સ્થિતિ અંતે પ્રોફેસનલ કામ કરતા આ યુવાને એન્ડોસ્કોપ કેમેરા ટેકનોલોજીની કીટ ઉઠાવી સ્થળે પહોચી, એક પણ મિનીટનો વિલંબ કર્યા વગર અન્ય તંત્રની સાથે ખંભેથી ખંભો મિલાવી રેસ્ક્યુ ઓપરેશનમાં ભાગીદારી બનાવી.
સમાચાર માધ્યમોથી મને રાણ ગામનો કિસ્સો જાણવા મળ્યો અને રેસ્ક્યુ ટીમનો હિસ્સો બનવા હું પણ મારા ગામથી નીકળી પડ્યો આ શબ્દો છે, ઓપરેશન એન્જલના સહભાગી બનેલા અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર બોરમાં એન્ડોસ્કોપ કેમેરા વર્ક કરતા યુવાન ગોવિંદ નંદાણીયાના.
પોતાના જ આંગણામાં માતાની નજર સામે રમતી અઢી વર્ષની બાળા એન્જલ રમતા રમતા ખુલ્લા બોર પર ઉપર રાખેલ ડોલ પર બેસે છે અને ડોલનું તળિયું તૂટી જતા બાળકી બોર અંદર 30 ફૂટ નીચે સરકી જાય છે, પછી શરુ થયું બાળકીને ઉગારી લેવા ઓપરેશન એન્જલ, પ્રથમ પહોચી 108ની ટીમ, બોર અંદર જીવણ મરણ વચ્ચે જોલા ખાતી બાળકીને આરોગ્યની ટીમ દ્વારા ઓક્સીજન આપવાનું કાર્ય શરુ કર્યું, ત્યારબાદ ખાનગી કંપનીઓ અને દ્વારકા-જામનગરની ફાયરની ટીમ પહોચી, પોલીસે પણ શરૂઆતથી મોરચો સંભાળ્યો, જીલ્લા સમાહર્તા ખુદ સ્થળે પહોચ્યા અને બચાવ કાર્યની ટીમોને માર્ગદર્શન આપવામાં છેક સુધી સાથે રહ્યા.
જામનગરથી આર્મીની ટીમ પણ આવી તો ઓપરેશનના અંતિમ પડાવમાં એનડીઆરએફની ટીમ આવી, આઠેક કલાક ચાલેલા રેસ્ક્યુ બાદ બાળકીને બેભાન અવસ્થામાં બહાર કાઢી લેવામાં આવી, જો કે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયેલી બાળકીનો જીવ ન બચાવી શકાયો, આ સમગ્ર ઓપરેશનમાં મહત્વનું અને અભિન્ન અંગ કહી શકાય એવું કાર્ય રહ્યું હોય તો તે છે સીસીટીવી કેમેરા ઓપરેટરનું, ખંભાલીયા તાલુકાના માધુપુર ગામે રહેતા અને ઊંડા બોરમાં ફસાયેલ મોટર કે અન્ય ચીજવસ્તુઓ કે પાણીની સચોટ સ્થિતિનું સીસીટીવી કેમેરાની મદદથી આંકલન કરતા ગોવિંદભાઈ નંદાણીયા, પોતાની આધુનિક એન્ડોસ્કોપ કેમેરા કીટ સાથે તાત્કાલિક સ્થળ પર પહોચી રેસ્ક્યુ કાર્યમાં જોતરાયા, પોતાની કેમેરાની મદદથી તાત્કાલિક બાળકીની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો, ફાયર, આર્મી, પોલીસ, એનડીઆરએફ સહિતની અન્ય બચાવ ટુકડીઓ સાથે સમન્વય સાધી ગોવિંદભાઈ ઓપરેશનનો મુખ્ય હિસ્સો બન્યા.
ત્રીસ ફૂટ ઊંડે બોરમાં ફસાયેલ બાળકીને ઉગારી લેવા આ યુવાને સખ્ત પ્રયાસો કર્યા, બાળકીના બંને હાથમાં રસ્સીના ફાસલા નાખવાથી માંડી બાળકીને ઉંચે ખેચવા સહિતની તમામ સ્થિત પર બારીકારી અને સચોટ રીતે કામ આવ્યા ગોવિંદભાઈના કેમેરા અને તેની નિસ્વાર્થ સેવા, સમગ્ર ગ્રામજનોની સાથે ન્યુજ ચેનલમાં ચાલતા લાઈવ ઓપરેશન નિહાળતા લોકો પણ આ ઓપરેશનની એક એક ક્ષણ નિહાળી એન્જલ સલામત રીતે બહાર આવે તેવી પ્રાર્થનાઓ કરતા જોવા મળ્યા હતા.
કલાકોની જહેમત બાદ બાળકીને બહાર કાઢી લેવાઈ પરંતુ જીવ ન બચાવી શકાયો પરંતુ તમામ બચાવ કાર્યમાં જોડાયેલ તમામ તંત્રની મહેનત કાબેલેદાદ હતી. રેસ્ક્યુમાં સૌથી અગત્યની ભૂમિકા ગોવિંદભાઈની રહી હોવાનું ખુદ કલેકટર શર્માએ જણાવ્યું હતું. પોતાની આધુનિક કીટ સાથે નિશ્વાર્થ ભાવે રેસ્ક્યુમાં જોડાયેલ ગોવિંદભાઈની કામગીરીના કલેકટરે વખાણ કરી બિરદાવી હતી. ગોવિંદભાઈએ આધુનિક એન્ડોસ્કોપ કેમેરા કીટ વસાવી છે અને દ્વારકા જીલ્લાના બોરના તળિયા સુધીની સચોટ સ્થિતિનું અવલોકન કરવાનું કાર્ય કરે છે.
‘એક સમય એવો આવ્યો કે દેશી જુગાડ કરવો પડ્યો’
પોતાની કીટ લઇ ઓપરેશન એન્જલમાં જોડાયેલ ગોવિંદભાઈએ પોતાની સેવા અંગે જણાવતા કહ્યું કે, કેમેરાને બોરમાં ઉતારી તાત્કાલિક બાળકીની કરંટ સ્થિતિનો તાગ મેળવ્યો, ફાયરની ટીમ સાથે મળી ઓપરેશન તાત્કાલિક પૂર્ણ કરવા તરફની કાર્યવાહી શરુ કરી, બંને હાથ ઉપર અને શરીર નીચે એવી સ્થિતિમાં બોર અંદર રહેલ બાળકીના બંને હાથમાં રસ્સીના ફાસલા નાખવામાં કેમેરાએ મહત્વની ભૂમિકા ભજવી આ જ ફાસલાથી બાળકીને ઉપર સુધી ખેંચવામાં આવી, જો કે એક સમય એવો આવ્યો જયારે બોર સુધી પહોચતી ઈલેક્ટ્રીસીટી ખોરવાઇ ગઈ, પરંતુ દેશી જુગાડથી તાત્કાલિક વાયર અને સ્વીચબોર્ડ વચ્ચેનો વીજ પુરવઠો જીવંત કરી ફરી રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયો હતો. બાળકીને બચાવવા નિશ્વાર્થ ભાવે સેવા કરવાનો મોકો મળ્યો એ મારા જીવનનો મહત્વનું કાર્ય છે પરંતુ બાળકીને બચાવી ન શકાયએ અફ્સોસની ઘડી છે. એમ ગોવિંદભાઈએ અંતે જણાવ્યું હતું.