જામનગર શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને 26 જાન્યુઆરીના સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે સુરક્ષા વ્યવસ્થાની સઘન ચકાસણી કરાઈ
જામનગર, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર
જામનગર શહેરમાં આવનારા બે મહત્વપૂર્ણ પ્રસંગો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને 26 જાન્યુઆરી સ્વાતંત્ર્ય પર્વને લઈને જામનગર પોલીસ દ્વારા વિવિધ સ્થળોની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરની સલામતી જાળવવા માટે વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર સહિતના સ્થળોએ પોલીસે સુરક્ષા વ્યવસ્થા અંગે સઘન કામગીરી હાથ ધરી છે.
જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, આઈપીએસ અધીકારી મીના, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલ.સી.બી., એસ.ઓ.જી. અને ડોગ સ્કવોર્ડ- બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા વારંવાર સઘન તપાસ હાથ ધરાઈ છે.
શહેરમાં સુરક્ષા જાળવવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે પોલીસે અનેક પગલાં લીધા છે. ગઈકાલે રાત્રી દરમિયાન શહેરના મહત્વના સ્થળોએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કર્યું હતું. વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંભવિત ટાર્ગેટ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડ દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ ચેકીંગ હાથ ધરાયું હતું.
જામનગરના એસ.પી. દ્વારા સુરક્ષા અંગે ખાત્રી અપાઈ
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને 26 જાન્યુઆરી કે જે જામનગર શહેર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગો છે. આ પ્રસંગો દરમિયાન શહેરની સુરક્ષા જાળવવી અમારી પ્રાથમિકતા છે. અમે શહેરની સલામતી જાળવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. જામનગર પોલીસ દ્વારા લેવામાં આવેલા આ સુરક્ષા પગલાંથી શહેરના લોકોમાં સુરક્ષા સલામતી બેશક જળવાઈ રહેશે.