જામનગર શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થતાં નગરજનોમાં ખુશીની લહેર
Sasoi Dam Overflow in Jamnagar : જામનગર શહેરને પાણી પૂરો પાડતો રણજીતસાગર ડેમ ઓવર થઈ ગયા બાદ આજે સવારે 11 વાગ્યાના 31 મિનિટે સસોઈ ડેમ પણ ઓવરફ્લો થઈ જતાં જામનગરના રહેવાસીઓની ખુશીમાં અનેક ગણો વધારો થયો છે.
ગઈકાલે ગુરુપૂર્ણિમાના દિવસે પડેલા વરસાદના કારણે સૌ પ્રથમ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતોઝ અને આજે પણ છલકાઈ રહ્યો છે. ત્યારે જામનગર શહેરને પાણી પૂરું પાડતો બીજો ડેમ કે જે લાલપુરના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારણે પૂરો ભરાયો હતો, અને 11.31 વાગ્યાથી ઓવરફ્લો થઈ જતાં ડેમના પાળા પરથી પાણી જઈ રહ્યું છે. તેથી જામનગર શહેરને પાણી પૂરું પાડવા માટેનું જળકટ હળવુ બન્યું છે, માત્ર 24 કલાકમાં જ જામનગર શહેર માટે પાણીનો પ્રશ્ન મોટા ભાગે હાલ થઈ ગયો હોવાનું જામનગર મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખાના અધિકારી દ્વારા જણાવાયું છે.
સસોઈ ડેમ ઓવરફ્લોનો અલૌકિક નજારો નિહાળવા અને ડેમના પાળા પરથી પાણી પડતું હોવાથી નહાવા માટે અનેક લોકો પહોંચી જતા હોય છે, ત્યારે જામનગર નજીક આવેલા રણજીત સાગર ડેમ તેમજ સસોઈડેમ પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે, અને કોઈ જાનહાની ન થાય તેની તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.