જામનગરની સાધના કોલોનીમાં ગઈકાલે રાત્રે વધુ એક જર્જરીત બિલ્ડીંગ ધડાકાભેર જમીનદોસ્ત થઈ જતાં દોડધામ , કોઈ જાનહાની નહીં
Jamnagar Dilapidated Building : જામનગરની સાધના કોલોનીમાં જર્જરીત બિલ્ડીંગ ધરાશાઇ થવાનો ગઈકાલે રાત્રે ત્રીજો કિસ્સો બન્યો હતો. એક જર્જરીત બિલ્ડીંગનો અડધો હિસ્સો ગઈ રાત્રે એકાએક ધરાસાઈ થઈ જતાં ધડાકો થયો હતો અને આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ ફેલાયો હતો.
તંત્રએ બિલ્ડીંગ ખાલી કરાવ્યું હોવાથી સદભાગ્ય કોઈ હાની થઈ ન હતી અને મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ દોડ્યા હતા. આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા એમ 72 થી એમ 75 સુધીના ચાર બિલ્ડીંગના 48 ફ્લેટનું જર્જરિત બાંધકામ તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. જ્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
જામનગરની ન્યુ સાધના કોલોનીમાં ગઈકાલે રાત્રે 11.00 વાગ્યાના અરસામાં એમ 72 નંબરના બિલ્ડીંગનો અડધો હિસ્સો ધરાસાઈ થઈ જતાં ભારે ગભરાટનો માહોલ બન્યો હતો. સદભાગ્યે મહાનગર પાલીકાના તંત્રએ બિલ્ડિંગ અગાઉથી જ ખાલી કરાવી દેવાયું હોવાથી તેમાં કોઈ જાનહાની થઈ ન હતી.
આ બનાવની જાણ થતાં જામનગરના મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડીયા, પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા. સાધના કોલોની વિસ્તારમાં આ ઘટનાને લઈને ભયનો માહોલ બન્યો હતો, અને લોકો ટોળે વળ્યા હતા.
પોલીસ તંત્રને જાણ થવાથી સીટી એ. ડિવિઝનના પી.આઈ. પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર વિસ્તારને દોરડું બાંધીને કોર્ડન કરી દીધો હતો. વધુંમાં જર્જરીત બિલ્ડીંગથી સૌને દૂર રાખવાના પ્રયત્નો કર્યા હતા. આ સાથે જ 108 ની ટિમ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર શાખા દ્વારા મોડી રાત્રે માઇક થી જાહેરાત કરીને લોકોને જેર્જરીત બિલ્ડીંગથી દૂર રહેવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આજે સવારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી જેસીબી મશીન વગેરે સાથે બનાવના સ્થળે પહોંચી ગઈ છે. એસ્ટેટ શાખાના અધિકારીની રાહબરી હેઠળની ટીમ દ્વારા એમ-72 થી લઈને એમ-75 સુધીના ચાર બિલ્ડિંગો કે જેના કુલ 48 ફ્લેટ છે જે ચારેય જર્જરિત બિલ્ડીંગને ડિમોલેશન કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ફરીથી આસપાસના વિસ્તારના લોકોને સચેત કરી દેવાયા છે.