જામનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ, પોલીસ દ્વારા અનેકની અટકાયત
Rupala Controversy : જામનગર જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહયું છે, અને ગઈકાલે મોડી સાંજે કાલાવડમાં યોજાયેલા ભાજપના સંમેલન સમયે ક્ષત્રિય સમાજના યુવાનોએ 'જય ભવાની' ના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે હંગામા વચ્ચે પોલીસ તંત્ર દ્વારા અને ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી, અને કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો.
કાલાવડમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ સમયે કાર્યક્રમનો પ્રારંભ થાય તે પહેલાં ક્ષત્રિય સમાજના યુવાનોનું મોટુ ટોળું આવી પહોંચ્યું હતું, અને 'જય ભવાની' ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી ભાજપના સંમેલન સમયે ભારે હંગામો મચી ગયો હતો.
સભા સ્થળની ફરતે ક્ષત્રિય સમાજે ઘેરો ઘાલીને વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ દ્વારા અનેક ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી અને કાલાવડ ટાઉન પોલીસ અને કાલાવડ ગ્રામ્ય પોલીસની મોટી ટુકડી આવી પહોંચી હતી, અને સંખ્યાબંધ ક્ષત્રિય યુવાનોની અટક કરી લેતાં આખરે મામલો થાળે પડ્યો હતો. પરંતુ ભાજપનો કાર્યકર્મ મોકૂફ રાખવો પડ્યો હતો.
આ પણ વાંચો : 'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?', ક્ષત્રિયોના દેખાવ સામે રૂપાલાએ વ્યથા ઠાલવી