નેપાળનો રાજવી પરિવાર જામનગરની મુલાકાતે
- રણમલ તળાવ વચ્ચે આવેલા લાખોટા મ્યુઝિયમની મુલાકાત લઈ અભિભૂત થયા
જામનગર,તા.9 મે 2023,મંગળવાર
જામનગરમાં આજે નેપાળના રાજવી પરિવારના સભ્યોનું આગમન થયું હતું, અને તેઓએ જામનગરના મહેમાન બન્યા પછી લાખોટા તળાવની વચ્ચે આવેલા લાખોટા મહેલ (મ્યુઝિયમ) ની મુલાકાત લીધી હતી, અને અભિભૂત થયા હતા.
નેપાળના રાજવી પરિવારના સભ્યો આજે જામનગરમાં રણમલ તળાવ વચ્ચે આવેલા લાખોટા મહેલની મુલાકાતે આવ્યા હતા.
રાજાશાહી સમયની આ ઈમારત હવે રાજ્યના પુરાતત્વીય મ્યુઝિયમ તરીકે સજાવવામાં આવી છે. અહીં હાલારનો ઇતિહાસ રજુ કરતા શસ્ત્રો, વસ્ત્રો, પાઘડીઓ, વિવિધ પાત્રો, ગાલીચા, ભાત-ભાતની કોતરણી, ચિત્રો, કલાકારીગરીના નમુના, તેમજ તોપો મૂકવામાં આવી છે.
આ મ્યુઝિયમમાં આશરા ધર્મ માટે મોગલોના દાંત ખાટા કરી નાખનારો જામ રાજવીની સેના એ લડેલા યુદ્ધનું વિશાળ ચિત્ર યુદ્ધની ગાથાને દર્શાવે છે.
નેપાળનો શાહી પરિવાર જામનગરમાં આવેલા લશ્કરી કેન્ટોન્ટમેન્ટમાં રોકાયો હતો, અને આર્મી સિક્યુરિટી સાથે લાખોટા મહેલની મુલાકાતે આવ્યો હતો. જેઓ મ્યુઝિયમને નિહાળીને અભિભૂત થયા હતા.