જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
Jamnagar News : જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સદસ્યો સાથે થયેલી ચર્ચા મુજબ જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે શહેરમાં કુલ 15 જગ્યાઓ પર હાઈ માસ્ટ ટાવર લગાવવામાં આવ્યા છે. જેથી શિયાળામાં ધુમ્મસ દરમિયાન વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી ન થાય. તેમજ જાહેર માર્ગો પર પેવમેન્ટ માર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગ માર્કિંગ કરાયું છે અને હાઈવે પર સ્ટ્રીટ લાઈટ્સની વ્યવસ્થા કરાઈ છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓના પરિવહન માટે કાર્યરત સ્કૂલબસ, સ્કૂલ વાન, પેસેન્જર વાન, ઈકો વાહન, ઓટો રીક્ષા તેમજ તમામ પ્રકારના વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવશે. જે વાહનોમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો બેસાડવામાં આવશે, તો તેના વાહન ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે.
તેમજ શાળા કોલેજોમાં માર્ગ સલામતીના નિયમો વિષે જનજાગૃતિ વધે તે માટે સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ એન્ડ પેરેન્ટ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન, શહેરમાં પાર્કિંગ યોગ્ય રીતે થાય તે માટે નવા પાર્કિંગ પ્લેસ, ટ્રાફિક પોઈન્ટ પર રેગ્યુલર ચેકીંગ, સ્કૂલબસ અને પેસેન્જર વાન ચાલકોના લાયસન્સ ચેકીંગ અને માર્ગ અકસ્માતો નિવારી શકાય તેથી પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહન ચાલકોને વિશેષ તાલીમ આપવામાં આવશે. સીએનજીવાળા વાહનોમાં ગેસ સિલિન્ડરનું ''સિલિન્ડર હાયડ્રો ટેસ્ટ સર્ટિફિકેશન'' થયેલું છે કે નહીં તેની ખાસ ઝુંબેશ હાથ ધરાશે. જાહેર સ્થળોએ અને કચેરીઓમાં ફાયર સેફટીના નિયમોનું પાલન અને ફાયર સેફટીના સાધનોની જાળવણી અંગે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે.
વિશેષમાં હાઈવે પર વૃક્ષોનું નિયમિતપણે ટ્રિમિંગ કરાવવું, ''ગુડ સમરીટન સ્કીમ'' નો પ્રચાર-પ્રસાર વધારવો, રોડ રિસર્ફેસીંગની કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ કરાવવી અને જાહેર જનતાને માર્ગ સલામતીના નિયમો દર્શાવતા પેમ્ફલેટ્સનું વિતરણ તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃતપણે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ઉક્ત સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીઓ તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા.