જામનગરનો રીક્ષા ચાલક યુવાન 4 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો, પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે ફરિયાદ
Jamnagar News : જામનગરમાં દેવુભાના ચોક વિસ્તારમાં રહેતો એક રીક્ષા ચાલક વ્યાજ ખોરોની ચૂંગાલમાં ફસાયો છે. એક વ્યાજખોર પાસેથી પૈસા લીધા પછી તેનું રાક્ષસી વ્યાજ ચૂકવવામાં એક પછી એક અન્ય ત્રણ વ્યાજખોરો પાસેથી પૈસા લેવા પડ્યા છે અને ચારેય સામે ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ફરીયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દેવુભાના ચોક વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા દીપકભાઈ મોડ નામના 53 વર્ષના રીક્ષા ચાલક' કે જેણે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી કોરા ચેકમાં સહી કરાવી ધમકી આપવા અંગે અને પઠાણી ઉઘરાણી કરવા અંગે દિપક બચુભાઈ વાઘેલા, હાર્દિક ઉર્ફે લખન ભાઈલાલભાઈ વાઘેલા, પ્રિન્સ રાજુભાઈ ચૌહાણ, અને જતીન પઢીયાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાને અગાઉ આરોપી દિપક વાઘેલા પાસેથી પોતાની જરૂરિયાત માટે 50,000 રૂપિયા લીધા હતા જેનું માસિક 10 ટકા એટલે કે એક લાખ 80 હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી અને પૈસાની ચુકવણી માટે તેણે હાર્દિક વાઘેલા પાસેથી 30,000 વ્યાજે લીધા હતા. જેનું પણ એક લાખ આઠ હજાર જેટલું 30 ટકા વ્યાજ ચૂકવી દીધા પછી વધુ એક લાખ રૂપિયાની માંગણી કરતા નોટરી કરાર કરી આપવો પડ્યો હતો અને માસિક 20 ટકા લેખે વધુ એક લાખની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે પ્રિન્સ રાજુભાઈ ચૌહાણ પાસે અગાઉના વ્યાજ ચૂકવવા માટે એકલા રૂપિયા જ્યારે જતીન પઢિયાર પાસે પણ 20,000 માસિક 10 ટકા લેખે વ્યાજે લીધા હતા.
જે ચારેયને મોટી વ્યાજની રકમ ચૂકવી દીધા છતાં તેઓએ સિક્યુરિટી પેટે કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી અને પઠાણી ઉઘરાણી કરતા હોવાથી સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં મામલો લઈ જવાયો હતો અને પોલીસે ચારેય વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.