જામનગરમાંથી આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો રીક્ષા ચાલક પકડાયો, ત્રણ બુકીના નામ ખુલ્યા
Cricket Betting In Jamnagar : જામનગરમાં ગોકુલ નગર-રડાર રોડ વિસ્તારમાંથી એક રીક્ષા ચાલકને પોલીસે મોબાઈલ ફોન મારફતે આઈ.પી.એલની ક્રિકેટ મેચ પર જુગાર રમતાં પકડી પાડ્યો છે, અને તેની પાસેથી મોબાઈલ ફોન વગેરે કબજે કર્યા છે. ઉપરાંત પોતે અન્ય ત્રણ બુકી તેમજ પન્ટર ક્રિકેટરાની કપાત કરતો હોવાથી તે ત્રણેયને ફરાર જાહેર કરાયા છે. જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફ ગોકુલ નગર રડાર રોડ પર વોચ ગોઠવી. એક રીક્ષા ચાલક લાખાભાઈ નથુભાઈ ગોરીયાને આઈપીએલની ક્રિકેટ મેચ પર પોતાના મોબાઈલ ફોન મારફતે સોદા કપાત કરી રૂપિયાની હારજીત કરવા અંગે ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન પોતે જામનગરના માધવબાગ વિસ્તારમાં રહેતા રવિ કનારા, મથુરા નગરમાં રહેતા ભીમાભાઇ કરમુર તેમજ અન્ય એક બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી તે ત્રણેયને ફરાર જાહેર કરાયા છે અને પોલીસ તેઓને શોધી રહી છે.