જામનગરમાં સાત રસ્તાથી ટાઉનહોલ રોડ પર ભારે વાહનોની અવર–જવર પર પ્રતિબંધ
image : Freepik
Jamnagar News : જામનગરમાં શ્રાવણી મેળા અને ફ્લાયઓવર બ્રીજની કામગીરી અંતર્ગત સાત રસ્તાથી ટાઉનહોલ માર્ગ પર ભારે વાહનોના આવાગમન પર જામ્યુકો દ્વારા 15 ઓગષ્ટથી 30 નવેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવતી જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. આ માટે એસટી બસ સ્ટેન્ડથી પવનચક્કી સર્કલ અને જનતાફાટક રોડની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ જાહેર નોટિસનો ભંગ કરશે તો તેની સામે બીપીએમસી એકટ અન્વયે દંડનીય પગલા લેવામાં આવશે.
જામ્યુકોના કમિશનર ડી.એન.મોદીએ બીપીએમસી એકટની જોગવાઈ હેઠળ મહાનગરપાલિકાની હદમાં શ્રાવણી મેળાનું પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હોય અને હાલમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફલાય ઓવર બ્રીજનું તથા લાલપુર ચોકડી પાસે ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલું હોય ટ્રાફીકની સુચારૂ વ્યવસ્થા જાળવવા માટે દરેક ધાર્મિક તહેવારોમાં સાત રસ્તાથી ટાઉનહોલ સુધીના માર્ગ પર ભારે વાહનના આવાગમન પર પ્રતિબંધ ફરમાવતી જાહેર નોટીસ બહાર પાડી છે. જેની અમલવારી 15 ઓગષ્ટથી 30 નવેમ્બર સુધી કરવામાં આવશે. જો કોઇ વ્યકિત આ જાહેર નોટીસનો ભંગ કરશે તો તેની સામે બીપીએમસી એકટ અન્વયે દંડનીય પગલાં લેવામાં આવશે. તમામ પ્રકારના ભારે વાહનો માટે સાત રસ્તા સર્કલથી એસટી બસ સ્ટેન્ડ રોડ પરથી પવનચકકી સર્કલ થઇ પમ્પ હાઉસ રોડ પર થઈ લાલપુર બાયપાસ ચોકડી તરફના રૂટ અને સાત રસ્તા સર્કલથી જનતા ફાટક ચોકડી થઇ જકાતનાકા સર્કલ થઈ હરિયા કોલેજ રોડ પરથી સાંઢિયા પુલ થઇ રાજકોટ તરફનો ડાયવર્ઝન રૂટ રહેશે. મેળા દરમિયાન ટ્રાફિક જામ ન રહે તે માટે આ જાહેર નોટિસે મનપા દ્વારા બહાર પાડવામાં આવી છે.