જામનગરમાં મયુર ટાઉનશીપ સોસાયટીના રહિશોએ રોડના કામથી કંટાળી કમિશનરને આવેદન આપ્યું
Jamnagar News : જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર આવેલી મયુર ટાઉનશીપ સોસાયટીવાળો મેઈન રોડ એક વર્ષ થી નથી બન્યો, ત્યાં ખાડા માર્ગ બન્યો હોવાની અને સોસાયટીના આંતરિક રસ્તા રીપેર કરવાના કોર્પોરેટરોના વચનોથી કંટાળેલા રહીશોએ ગઈકાલે મ્યુનિ. કમિશનરને આવેદન આપીને તાકીદે કામ ચાલુ કરાવવા આવેદન આપ્યું હતું.
કમિશનર ડી.એન.મોદીને લોકોએ રજુઆત કરીને જણાવ્યું હતું કે, અહીંની 3 હજાર લોકોની વસ્તી 2013થી વેરા ભરે છે, છતાં શેરીઓમાં 3 વર્ષ થયા હજી સુધી લોકોને આંતરિક રસ્તાની સુવિધા મળી નથી. 2021માં કોર્પોરેટર દ્વારા પણ રજુઆત મોકલાવી હતી. પરંતુ કામ થયું નથી. લોકસભાની ચૂંટણી પહેલા જ રોડ થઈ જશે, અને જે કોઈ રોડ બાકી હોય તે ચોમાસા પહેલાં કરી આપવામાં આવશે. તેવી બાંહેધરી આ વિસ્તારના કોર્પોરેટરો દ્વાર આપવામાં આવી હતી.
ગત ઓક્ટોબર 2023માં સરદારધામ સોસાયટીથી મયુર ટાઉનશીપ મેઈન ગેઈટ સુધીનો સીસી રોડ બન્યોને હજી એક વર્ષ થયું નથી, અને ચોમાસાનો વરસાદ પણ પડ્યો નથી, ત્યાં તો આ રોડમાં ખાડા પડી ગયા છે. આ રોડ પણ ટુંક સમયમાં ફરી બનાવવો પડે તેમ લાગે છે. તેની ગુણવત્તા ચેક કરાવવાની અને શેરીઓમાં રસ્તા બનાવવાની માંગણી લોકોએ રજુઆતના અંતે કરી હતી.