જામનગરમાં ફાયરના જવાનોની સરાહનીય કામગીરી : વરસાદના ધસમસતા પ્રવાહમાં પ્રસુતા મહિલાનું રેસ્ક્યુ
Jamnagar Fire Brigade Rescue : જામનગર નજીક દરેડ વિસ્તારમાં મજૂરોની વસાહતમાં રહેતી એક શ્રમિક મહિલા કે જેને પ્રસુતિની પીડા ઉપડી હતી અને રંગમતી ડેમના પાટિયા ખોલવાથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન પ્રસુતા મહિલાને નદીનો પ્રવાહ પસાર કરવા માટે ફાયરના જવાનોએ રેસ્ક્યુ કામગીરી કરી હતી, અને 108 ની ટીમ મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સહી સલામત રીતે પહોંચાડી દીધી હતી.
દરેડની મજૂર વસાહતમાં રહેતી રેખાબેન યાદવ નામની મહિલા કે જેને ગઈકાલે રાત્રે 9.00 વાગ્યાના અરસામાં પેટમાં દુખાવો ઉપડ્યો હતો, અને પોતે ગર્ભવતી હોવાથી તેને પ્રસુતિની પીડા ઉપડી હતી. આ સમયે રંગમતી ડેમના પાટિયા ખોલ્યા હોવાથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો, અને મજૂરોની વસાહતથી જી.જી.હોસ્પિટલ તરફ આવી શકાય તેવી પરિસ્થિતિ ન હતી, જેને લઈને મજૂરોની વસાહતમાંથી રેખાબેન યાદવના પરિવારજનોએ સૌપ્રથમ જામનગરના જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમનો સંપર્ક સાધ્યો હતો. આ બાબતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી.
જેથી ફાયર બ્રિગેડ શાખાના મયુરસિંહ જાડેજા સહિતના ત્રણ ફાયરના જવાનો તરત જ દરેડ પહોંચી ગયા હતા અને ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે સગર્ભા મહિલા રેખાબેન યાદવને ઉચકીને તેણીનું રેસ્ક્યુ કરી સલામત રીતે સામા કાંઠે પહોંચાડી હતી. ત્યાં 108 ની ટીમ એમ્બ્યુલન્સ સાથે હાજર રહી હતી જેમાં રેખાબેનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવી હતી. સમગ્ર ટીમની કવાયતના કારણે એક પ્રસૂતા મહિલાને ભારે વરસાદની વચ્ચે પણ નિર્ધારિત સમયમાં સારવાર મળી ગઈ હતી.