'આપ' ના ધારાસભ્ય સામે ખોટા કેસ અંગે દરમિયાનગીરી કરવા મુખ્યમંત્રીને રજૂઆત: જામનગરમાં આવેદન પાઠવાયું
જામનગર, તા. 05 નવેમ્બર 2023, રવિવાર
આદિવાસી સમાજના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા વિરૃદ્ધ ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં દરમિયાનગીરી કરવા મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આપના જામનગર જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડની આગેવાનીમાં આજે મુખ્યમંત્રી ને ઉદ્દેશીને લખવા માં આવેલ આવેદનપત્ર જામનગર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું.
જેમાં આવી રજૂઆત કરવામાં આવી હતી કે, ધારાસભ્ય ચૈતરા વસાવા સામે જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જમીનમાં કપાસના પાકને વન વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો હતો જે બાબતે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડૂતો અને જંગલ વિભાગના અધિકારી વચ્ચે ધારાસભ્યએ સમાધાન માટે બેઠક કરી હતી. જેમાં એવું નક્કી થયું હતું કે, જંગલ વિભાગના કર્મચારી ખેડૂતોનું નુક્સાન ભરપાઈ કરી આપે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આખરે આ રકમ ચૂકવી આપવામાં આવી હતી અને મામલો પૂરો થયો હતો.
આ પછી જંગલ વિભાગના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેઓએ સહમતીથી ચૂકવેલ રકમ બળજબરીથી ખંડણી તરીકે વસૂલવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
આમ સમગ્ર પ્રકરણમાં ષડ્યંત્ર રચાયું હોય તેમ જણાય છે. આથી મુખ્યમંત્રી દરમિયાનગીરી કરે અને ન્યાયિક તપાસ કરાવે તથા ત્યાં સુધી ધરપકડ કરવામાં આવે નહીં તેવી માંગણી કરવામાં આવી છે. આ પ્રકરણમાં આદિવાસી સમાજને ખોટી રીતે ચીતરવામાં આવ્યો છે. જેના રાજકીય પ્રત્યાઘાતો પડશે. જો યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી આંદોલન કરવાની પણ 'આપ' દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
આ આવેદન પાઠવતા સમયે આપ ના જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ, શહેર પ્રમુખ કરશન કરમુર, ધારાસભ્ય હેમત ખવા સહિતના આગેવાનો-કાર્યકરો જોડાયા હતાં.