જામનગરના સાધના કોલોની વિસ્તારમાં માથાભારે તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે વેપારીઓની કોર્પોરેટરને સાથે રાખીને રજૂઆત
જામનગર,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વોનો ત્રાસ વધી ગયો છે, અને જાહેરમાં મારામારી અને ભયનું વાતાવરણ ઊભું થાય તેવા બનાવો બની રહ્યા છે, ત્યારે આવા માથાભારે તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે સ્થાનિક વેપારીઓએ રેલી સ્વરૂપે સીટી એ. ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને રજૂઆત કરી છે.
સાધના કોલોની વિસ્તારમાં કેટલાક માથાભારે તત્વો છાશવારે જાહેરમાં બખેડો કરી ભયનું વાતાવરણ ઊભું કરતા હોવાથી વેપારીઓને ખૂબ જ પરેશાની રહે છે.
તેઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માગણી સાથે ગઈકાલે સાધના કોલોની વેપારી એસોસિએશન દ્વારા મોડી સાંજે રેલી યોજી સિટી એ. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા, અને સ્થાનિક કોર્પોરેટર વગેરેને સાથે રાખીને આવારા તત્વોમાંથી મુક્તિ આપવા માટેની રજૂઆત કરી હતી. જે અંગે સીટી એ. ડિવિઝનના પી.આઇ. ચાવડા દ્વારા યોગ્ય કરવા ખાતરી અપાઈ હતી.