જામનગરના રેલ્વે સ્ટેશન પરથી આવતીકાલથી રિફંડ મેળવવાનો થશે પ્રારંભ
- 22 માર્ચથી રેલવેનું બુકિંગ કરાવનારા લોકોની ટિકિટના પુરા પૈસાનું રિફંડ અપાશે
જામનગર, તા. 24 મે 2020 રવિવાર
જામનગરના રેલવે સ્ટેશન પરથી ઉપડતી ટ્રેનો માટે કોઈપણ યાત્રી દ્વારા બુકિંગ કરાવ્યું હોય અને ટ્રેન કેન્સલ થઈ હોય તેવા યાત્રિકોની એડવાન્સ બુકિંગની પૂરેપૂરી રકમ આપવા માટેનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. જામનગરના રેલવે સ્ટેશન પર સવારે આઠ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી રિફંડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંગેની જુદા જુદા સમયે ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
રેલવે તંત્ર દ્વારા જાહેર કરાયા અનુસાર જે યાત્રિકો દ્વારા 22 માર્ચ થી 31 માર્ચ સુધી ની રેલ્વેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું. તે યાત્રિકોને આવતીકાલે 25 મેથી 31 મે સુધીમાં પોતાનો રિફંડ મેળવી લેવા અનુરોધ કરાયો છે. તે જ રીતે 1 એપ્રિલ થી 14 એપ્રિલ સુધીનું બુકિંગ કરાવનારા યાત્રાળુઓએ 1 જૂન થી 6 જૂન સુધી મા રિફંડ મેળવવાનુ રહેશે.
ઉપરાંત 15 એપ્રિલ થી 30 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન લોકોએ પોતાના રિફંડના નાણાં 7 જૂન થી 13 જૂન સુધી મેળવવા ના રહેશે જ્યારે 1 મે થી 15 મે સુધીના સમય માટેનું બુકિંગ કરાવનારા યાત્રાળુઓએ 14 જૂન થી 20 જૂન સુધી પોતાનું રિફંડ પરત મેળવી લેવાનું રહેશે.
આ ઉપરાંત 16 મેથી 30 મે સુધી બુકિંગ મેળવનારા યાત્રાળુઓએ 21 જુન થી 27 જુન સુધીમાં અને 1 જૂનથી 30 જૂન સુધીનું બુકિંગ મેળવનારા યાત્રાળુઓ એ 28 જૂનથી પોતાનું રિફંડ મેળવી લેવાનું રહેશે.
તેમ છતાં પણ કોઈ યાત્રિકો રિફંડ મેળવવામાં બાકી રહી જાય તો તેઓની સમય મર્યાદા 6 મહિના સુધી રહેશે અને ત્યાં સુધીમાં તેને પૂરી રકમ ચુકવી દેવામાં આવશે. તેવી પણ રેલવે તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.