સેતાલુસ થી જામનગર આવેલા ભરવાડ યુવાનને લૂંટી લેનાર નકલી પોલીસને અસલી પોલિસે ઝડપી લીધા

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
સેતાલુસ થી જામનગર આવેલા ભરવાડ યુવાનને લૂંટી લેનાર નકલી પોલીસને અસલી પોલિસે ઝડપી લીધા 1 - image


Jamnagar Fake Police : લાલપુર તાલુકાના સેતાલુસ ગામથી મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે આવેલા એક ભરવાડ યુવાનને સમર્પણ સર્કલ પાસે બે નકલી પોલીસે ડરાવી ધમકાવી રૂપિયા 9,500 ની લૂંટ ચલાવી હતી, જે બંને લૂટારૂ નકલી પોલીસને અસલી પોલીસ એલ.સી.બી.ની ટુકડીએ ઝડપી લીધા છે, અને રોકડ રકમ, બાઈક વગેરે કબજે કર્યા છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા ભલાભાઇ અમરાભાઇ લાંબરીયા નામના 46 વર્ષના ભરવાડ યુવાન પરમદીવસે પોતાનું ખાનગી કંપનીમાં રજૂ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે જામનગરમાં સમર્પણ હોસ્પિટલમાં આવ્યા હતા,

જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં બે શખ્સો આવ્યા હતા, અને પોતે પોલીસ છે, તેવી ઓળખ આપી અને તેં દારૂ પીધો છે, જેથી તારો દારૂ અંગેનો કેસ કરવો છે. તેમ જણાવી બાઈકમાં બંનેની વચ્ચે બેસાડીને ઉઠાવી ગયા હતા. ત્યારબાદ બંનેએ ભરવાડ યુવાનને ખોડીયાર કોલોની તરફ લઈ ગયા પછી એક સ્થળે ઉતારી દઈ તેના ખિસ્સામાંથી રૂપિયા 9,500 ની રોકડ રકમની લૂંટ ચલાવી લીધી હતી. જે બનાવ અંગે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકમાં બંને સામે લૂંટ અંગે ફરિયાદ નોંધાવી હતી.

 જે નકલી પોલીસની તપાસમાં એલ.સી.બી.ની ટુકડી જોડાઈ હતી, અને બંને નકલી પોલીસ એવા લૂંટારુઓને દબોચી લીધા છે. તેઓના નામ મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો ગોપાલભાઈ ચુડાસમા-રામેશ્વર નગર, તેમજ રાજદીપસિંહ ઉર્ફે મુન્નો બાબભા પરમાર-રામનગર. જે બંનેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેઓ પાસેથી રૂપિયા સાડા નવ હજારની રોકડ રકમ તેમજ બાઈક વગેરે કબજે કરી લેવાયા છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી મહેશ અગાઉ 6 જેટલા ચોરી, લૂંટ, દારૂ સહિતના અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News