Get The App

રણજીત સાગર ડેમ 100 ટકા ભરાઈ જતાં નિચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
રણજીત સાગર ડેમ 100 ટકા ભરાઈ જતાં નિચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ 1 - image


જામનગરવાસીઓ માટે ખૂબ જ આનંદદાયક સમાચાર મળ્યા છે. ચાલુ વરસાદની સિઝનમાં જામનગર શહેરને પાણી પૂરું પાડતો અને રાજાશાહીના વખતનો મુખ્ય આધાર સ્તંભ એવો રણજીત સાગર ડેમ કે જે આજે રવિવારે બપોરે 11:39 વાગ્યાના સમયે સંપૂર્ણપણે ભરાઈ ગયો હોવાના સરકારી તંત્ર દ્વારા અહેવાલો પ્રાપ્ત થયા છે.

હજુ પણ ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે ધીમી આવક ચાલુ રહી છે, અને તેના કારણે ડેમ ઓવરફ્લો થઈને ડેમના પાળા પરથી પાણી પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ છે. જેથી જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

રણજીત સાગર ડેમ કે જેની ઊંડાઈ 27.5 ફૂટની છે, અને તેટલું પાણી ડેમમાં ભરાઈ ચૂક્યું છે, અને હાલ ડેમ છલોછલ થયો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા સુચના અપાઇ છે.

રણજીત સાગર ડેમ હેઠળના નિચાણ વાળા વિસ્તારના ગામો જેમાં દડિયા, નવા મોખાણા, જુના મોખાણા, ખિમલીયા, મોરકંડા અને પતાળિયા ચારણવાસ વિસ્તાર ના રહેવાસીઓને ખાસ વિશેષ માઇક દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે.


Google NewsGoogle News