જામનગરઃ રંગોળી સ્પર્ધામાં 41 કલાપ્રેમીઓ જોડાયા: રંગોળી સહેલાણીઓના નિદર્શન માટે મુકાશે
જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ પરિસરમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દિવાળીના તહેવારના દિવસે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 41 જેટલા કલાકારો જોડાયા છે. જેઓને મેયર- સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ દ્વારા સન્માનિત કરાયા છે. જ્યારે કલાકારો દ્વારા બનાવાયેલી રંગોળી દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન સહેલાણીઓના નિદર્શન માટે રખાશે.
જામનગર મહાનગરપાલિકાની ટીમની આગેવાની હેઠળ લાખોટા તળાવ પરિસરમાં ગુરૂવાર 4 નવેમ્બરને દિવાળીના તહેવારના દિવસે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના-મોટા 41 સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં પાંચ સ્પર્ધકો દ્વારા અઢી ફુટ બાય અઢી ફૂટની સાઈઝ કરતાં મોટી રંગોળી બનાવાઈ છે.
જયારે બાકીના સ્પર્ધકો દ્વારા અઢી ફૂટ બાય અધI ફૂટની સાઈઝની ચિરોડીના કલર મારફતે રંગોળી બનાવવામાં આવી છે. તમામ કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે 15 વર્ષ સુધીની વય મર્યાદાના ત્રણ જેટલા સ્પર્ધકો ઉપરાંત 15 વર્ષથી ઉપરની વયના ત્રણ વિજેતા સ્પર્ધકોને નક્કી કર્યા પછી તેઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ ઉપરાંત તમામ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગોળીને લાખોટા પરિસરમાં દિવાળીના તહેવાર ઉપરાંત નવા વર્ષ ના તહેવાર દરમિયાન મુલાકાતે આવનારા સહેલાણીઓના નિદર્શન માટે રખાશે.