જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાત્રે મેઘરાજાની એન્ટ્રી : અડધો ઇંચ વરસાદ : વહેલી સવારથી વરસાદી માહોલ
Jamnagar Rain Update : જામનગર શહેર અને સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાત્રે હવામાનમાં પલટો આવ્યા પછી સાર્વત્રિક અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જયારે આજે પણ વરસાદી માહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે. ઉપરાંત કાલાવડ તાલુકાના નવા ગામમાં ગઈકાલે રાત્રે ધોધમાર બે ઇંચ જયારે મોટા પાંચ દેવડા ગામમાં દોઢી ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રિના 10.30 વાગ્યાના સમયે તોફાની પવનની સાથે સાથે વરસાદ ચાલુ થયો હતો, અને ધોધમાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. દસેક મિનિટ માટે પડેલા વરસાદના કારણે જામનગર શહેરમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો. જોકે તુરતજ વરસાદ રોકાઈ ગયો હતો. ત્યારબાદ આજે સવારે વરસાદી વાતાવરણ બંધાયેલું રહ્યું છે, અને છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જામનગર શહેર ઉપરાંત ધ્રોલ અને જોડિયામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે કાલાવડ લાલપુર અને જામજોધપુરમાં પણ વરસાદી ઝાપટાં પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જણાવ્યા અનુસાર નવાગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન 44 મી.મી. તેમજ મોટા પાંચ દેવડામાં 32 મી.મી. વરસાદ થયો છે. આ ઉપરાંત જામજોધપુરના ધ્રાફા અને પરડવામાં 10-10 મી.મી. લાલપુરના હરીપરમાં 15 મી.મી., જામજોધપુરના શેઠવડાળામાં 15 મી.મી., ધ્રોલના લૈયારામાં અને લતીપુરમાં 10 મી.મી. અને જામવણથલીમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.
જન્માષ્ટમીના મેળાની રંગતમાં વરસાદે ભંગ પાડ્યા પછી નવરાત્રીમાં પણ પડ્યું ભંગાણ
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વેલકમ નવરાત્રીના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે, ત્યારે ગઈકાલે રાત્રે ઓચિંતા પડેલા વરસાદના કારણે દાંડિયાની રંગતમાં ભંગ પડ્યો હતો, જેના કારણે નવરાત્રી મહોત્સવના આયોજકોને ભારે દોડધામ થઈ હતી.
એક દિવસ માટેના દાંડિયારાસના કાર્યક્રમો અડધેથી પડતા મૂકવા પડ્યા હતા, અથવા તો વહેલા આટોપી દેવાનો વારો આવ્યો હતો. જયારે કેટલાક ગરબી મંડળના સંચાલકો દ્વારા નવરાત્રી મહોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જે સ્થળે પણ મંડપ, લાઈટ, ડેકોરેશનનો સરસ સામાન પલળી જતાં તેઓને પણ દોડધામ થઈ છે.