જામનગર શહેર, લાલપુર, કાલાવડ અને જામજોધપુરમાં આખરે મેઘરાજાએ હેત વરસાવ્યું : અડધા થી સાડા ત્રણ ઇંચ વરસાદ
image : Freepik
Monsoon Season in Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં આખરે ગઈકાલે રવિવારે સાંજે મેઘરાજાની પધરામણી થઈ છે, અને અડધાથી સવા ત્રણ ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
જામનગર શહેરમાં ગઈકાલે સાંજે કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, અને અડધો ઇંચ પાણી પડ્યું હતું. ત્યારબાદ આજે વહેલી સવારે ફરીથી મેઘરાજાની પધરામણી થઈ હતી, અને વધુ 14 મી.મી. વરસાદ પડી ગયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં કુલ 28 મી.મી. વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, અને હજુ પણ વરસાદી માહોલ બંધાયેલો છે.
જામનગર ઉપરાંત લાલપુર પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ગઈકાલે લાલપુરમાં 22 મી.મી. વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ આજે વધુ ધોધમાર 65 મી.મી. વરસાદ પડી ગયો હતો, અને છેલ્લા 24 કલાક દરમિયાન સાડાત્રણ ઇંચ પાણી પડી ગયું છે. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર લાલમાં 87 મી.મી. વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત કાલાવડમાં ગઈકાલે સાંજે ધીંમી મેઘ સવારી જોવા મળી હતી, અને નદીનાળામાં પાણી આવ્યા હતા. ગઈકાલે માત્ર બે કલાકના સમયગાળામાં જ કાલાવડમાં 54 મી.મી. વરસાદ નોંધાયો હતો. તે જ રીતે જામજોધપુરમાં ગઈકાલે 20 મીમી. વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે ફરીથી 9 મી.મી. વરસાદ પડી જતાં કુલ 29 મી.મી. વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત જોડીયામાં ગઈકાલે સાંજે 6 મી.મી. અને આજે ત્રણ મી.મી. સહિત અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાના એવાલો પ્રાપ્ત થયા છે.જિલ્લામાં એકમાત્ર ધ્રોલ તાલુકો ખાલી રહ્યો છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી મળેલા આંકડા પર જોવામાં આવે તો સૌથી વધુ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 75 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે ખરેડીમાં 65 મી.મી. નિકાવા માં 42 મી.મી., નવાગામમાં 45 મી.મી., મોટા પાંચદેવડામાં 55 મી.મી. વરસાદ નોંધાયો હતો. જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં 46 મી.મી. જામવાડીમાં 48 મી.મી. અને પરડવામાં 27 મી.મી. વરસાદ નોંધાયો હતો. લાલપુર તાલુકાના પડાણામાં પણ 40 મી.મી. વરસાદ નોંધાયો છે, જયારે જામનગર નજીક દરેડમાં 20 મી.મી. વરસાદ નોંધાયો હતો.