જામનગરના કાલાવડ અને જોડીયામાં 4 દિવસના વિરામ બાદ છૂટો છવાયો વરસાદ: આજે પણ વરસાદી વાતાવરણ
Monsoon Season Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘાવી માહોલ બંધાયેલો છે, અને મેઘરાજા હાથતાળી આપીને ચાલ્યા જાય છે. જામનગર શહેરમાં ગઈકાલે પણ વરસાદી વાતાવરણ હતું, પરંતુ મેઘરાજાના રુસણાં હજુ ચાલું રહ્યા છે. ગઈકાલે રાત્રે 10.30 વાગ્યે માત્ર વરસાદી ઝાપટું વરસ્યું હતું, પરંતુ ફરી વાદળો વિખેરાઈ ગયા હતા. જોકે આજે પણ હજુ વરસાદી માહોલ બંધાયેલો છે. તેમ છતાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી.જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે જોડીયામાં માત્ર એક મી.મી. વરસાદ નોંધાયો હતો.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના મોટા વડાળામાં 30 મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે નવાગામ અને મોટા પાંચ દેવડામાં 10 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે નીકાવામાં પણ 10 મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના મોટી બાણુગારમાં પણ 10 મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી, જયારે મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 20 થી 25 કિ.મીની ઝડપે રહી હતી.