જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલનો જુગાર અંગે દરોડો

- જામજોધપુર નજીક તરસાઈ ગામમાંમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી રૂપિયા દોઢ લાખ ની માલમતા સાથે સાત પત્તા પ્રેમીઓની અટકાયત

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલનો જુગાર અંગે દરોડો 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં ચાલી રહેલા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ-ગાંધીનગર ની ટુકડીએ સ્થાનિક પોલીસ તંત્રને અંધારામાં રાખીને ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો, અને રૂપિયા દોઢ લાખની માલમતા સાથે સાત પત્તા પ્રેમીઓની અટકાયત કરી લેતાં સ્થાનિક પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.

આ દરોડા ની વિગત એવી છે કે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીગરની પોલીસ ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં એક રેહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક પતા પ્રેમીઓ કે જેઓ જામજોધપુર તેમજ આસપાસના વિસ્તારમાંથી એકત્ર થઈને જુગાર રમવા આવ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, જે બાતમી ના આધારે ગઈ રાત્રે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ઓચીંતો દરોડો પાડ્યો હતો.

ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. પટેલ તેમજ સ્ટાફના કિશોરભાઈ નંદાણીયા સહિતની ટીમે તરસાઈ ગામમાં પહોંચી જઈ દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન સાત જેટલા પતાપ્રેમીઓ જુગાર રમી રહેલા રંગે હાથ પકડાયા હતા. જેથી પોલીસની ટીમેં જુગાર રમી રહેલા તરસાઈ ગામના વતની જીગ્નેશભાઈ ગોરધનભાઈ ચુડાસમા, તેમજ દર્શનભાઈ અશોકભાઈ ફળદુ, વાંસજાળીયા ગામના અમરીશ દેવાભાઈ બથવાર, તરસાઈ ગામના વિનોદ જેરામભાઈ ભલસોડ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામના કિશોરભાઈ છગનભાઈ પરમાર, વાંસજાળીયા ગામના અર્જુનભાઈ નાગજીભાઈ મેથાણીયા, તેમજ રાણાવાવ (પોરબંદર)ના આંબાભાઈ ટપુભાઈ વાઘેલા ની અટકાયત કરી લીધી હતી.

જેઓ પાસેથી રૂપિયા 36,570ની રોકડ રકમ, 6 નંગ મોબાઈલ ફોન, તેમજ ત્રણ નંગ મોટર સાયકલ વગેરે સહિત રૂપિયા 1,52,070ની માલમતા કબજે કરવામાં આવી છે, અને જામજોધપુર પોલીસ મથકમાં તમામ સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો દાખલ કરાવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ ની આ કાર્યવાહીને લઈને જામજોધપુર સહિતના જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.



Google NewsGoogle News