જામનગર પંથકમાં સપ્તાહ દરમિયાન હત્યાની ત્રીજી ઘટનાથી ભારે ચકચાર : કાયદો વ્યવસ્થા સામે ઉઠતા સવાલો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
જામનગર પંથકમાં સપ્તાહ દરમિયાન હત્યાની ત્રીજી ઘટનાથી ભારે ચકચાર : કાયદો વ્યવસ્થા સામે ઉઠતા સવાલો 1 - image


Crime News Jamnagar : જામનગર પંથકમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઈ છે, અને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને સવાલો ઉઠી રહ્યા છે. જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેના જ મિત્ર એવા દારૂના ધંધાર્થીએ પોલીસમાં બાતમી આપવાની શંકા વહેમ રાખીને સૌપ્રથમ લોખંડના સળિયા વડે હુમલો કર્યા પછી જી.જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુપ્તી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી છે. જે હત્યાના બનાવ અંગે પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં વચ્ચે બચાવવા પડેલો અન્ય એક મિત્ર પણ ઘાયલ થયો છે.

સમગ્ર હત્યાકાંડની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા (ઉંમર વર્ષ 32) કે જેના ઉપર સૌપ્રથમ રાત્રિના બાર વાગ્યાના સમયે શરૂ સેક્શન રોડ પર તેના જ મિત્ર અને દારૂના ધંધાર્થી જયપાલ સિંહ ચુડાસમા અને તેના 3 સાગરીતોએ દારૂ અંગેની પોલીસમાં અમારી બાતમી કેમ આપે છે, તેમ કહી હુમલો કર્યો હતો. જેથી ધર્મેન્દ્રસિંહ ઝાલાને માથાના ભાગે ઇજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો, અને પાડોશમાં જ રહેતો તેનો મિત્ર સુખદેવસિંહ ઉદ્દેશિંહ જાડેજા કે જે સારવાર કરાવવા માટે સાથે જોડાયો હતો.

ત્યાં રાત્રિના 12.40 વાગ્યાના અરસામાં જી.જી.હોસ્પિટલમાં ધર્મેન્દ્રસિંહની સારવાર ચાલી રહી હતી, દરમિયાન હુમલાખોર જયપાલસિંહ ચુડાસમા પોતાના અન્ય ત્રણ સાગરીતો ઊર્મિલ રાઠોડ પ્રણવદેવસિંહ સહદેવસિંહ અને અક્ષયસિંહ પરમાર વગેરેને સાથે લઈને ગુપ્તી જેવા હથીયાર સાથે ધસી આવ્યો હતો, અને ધર્મેન્દ્રસિંહ પર ફરીથી હુમલો કરી દેતાં લોહી લૂહાણ થઈને ઢળી પડ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ મારામારીના બનાવ સમયે સુખદેવસિંહ જાડેજા છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો, જેમાં તેને પણ ગુપ્તી વડે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મોડી રાત્રે આ ઘટનાની જાણ થતાં ક્ષત્રિય સમાજના લોકોના ટોળા જી.જી. હોસ્પિટલના દ્વારે એકઠા થઈ ગયા હતા, જયારે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, તેમજ સીટી બી.ડિવિઝનનો પોલીસ કાફ્લો તાબડતોબ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, અને યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સુખદેવસિંહ જાડેજાની ફરિયાદ લેવામાં આવી હતી, અને જયપાલસિંહ ચુડાસમા અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે પોલીસે હત્યાની કલમ તેમજ અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા તમામની શોધખોળ ચલાવાઇ રહી છે.

હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ 

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના એરિયામાં ગઈકાલે રાત્રે એક યુવક પર હુમલો કરી દઈ હત્યા નિપજાવાઇ હતી. જે વિસ્તારમાં હોસ્પિટલના તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયેલા છે, જેમાં હત્યાની ઘટના કેદ થઈ હતી, અને આરોપીઓ દ્વારા મૃતક યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેના ફૂટેજ પોલીસને જોવા મળ્યા હતા. જેથી સીટી બી.ડિવિઝન પોલીસ દ્વારા જી.જી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના ફૂટેજ પુરાવાના ભાગરૂપે મેળવી લેવાયા છે.


Google NewsGoogle News