જામનગરની મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને ઇન્દોર મોકલાવેલો 59 લાખનો જથ્થો બારોબાર ચાઉ થઈ ગયો
image : Freepik
- ટ્રક ભાડેથી મેળવી નિર્ધારીત સ્થળે પીપી દાણા નહીં પહોંચાડી છેતરપિંડી કરવા અંગે જામનગર મહારાષ્ટ્ર અને સુરતના ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
જામનગર,તા.08 નવેમ્બર 2023,બુધવાર
મૂળ દિલ્હીની અને જામનગરમાં ઓફિસ ધરાવતી એક ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી રૂપિયા 59 લાખની કિંમતનો પીપીદાણાનો જથ્થો જુદા જુદા બે ટ્રકોમાં ભરીને ઇન્દોર મોકલવા માટે રવાના કરાયો હતો, જે પીપીદાણાનો જથ્થો નિયત સ્થળે પહોંચ્યો ન હતો, અને બારોબાર ચાઉ થઈ ગયો હતો. આથી જામનગર થી ઇન્દોર પહોંચાડવા માટેનું બ્રોકિંગનું કામ કરનાર જામનગર સુરત અને મહારાષ્ટ્રના ત્રણ બ્રોકર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ દિલ્હીના વતની અને મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં ટ્રાન્સપોર્ટના કામનો કોન્ટ્રાક્ટ ધરાવનારા ગૌરવ ઋષિ ગોયલ નામના વેપારીએ મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી રૂપિયા 59 લાખની કિંમતનો પીપી દાણાનો જથ્થો ભરીને ઇન્દોર પહોંચાડવા માટે જુદા જુદા બે ટ્રકો ભાડેથી મેળવવા માટે બ્રોકર નો કોન્ટેક્ટ કર્યો હતો.
જેમાં સૌપ્રથમ ખીજડીયા બાયપાસ પાસે શક્તિ ફાર્મ ધરાવતા બ્રોકર જયવીરસિંહ મોતીરામ ચૌધરીનો સંપર્ક સાધ્યો હતો, અને તેણે મહારાષ્ટ્રના ભાયંદરના નિર્ભય મધુસુદન ઠક્કર નો સંપર્ક સાધ્યો હતો જ્યારે ટ્રક ભાડે મેળવવા માટે સુરતના કડોદર વિસ્તારના રાજીવ રંજનસિંહની મદદ થી જુદા જુદા બે ટ્રક ભાડેથી કરાયા હતા.
તેમાં એક ટ્રકમાં 40,54,418 ની કિંમતનો 30 મેટ્રિક ટન પીપીદાણાનો જથ્થો ભરાયો હતો, અને 1160 બેગમાં પેક કરાયો હતો. તે જ રીતે બીજા ટ્રકમાં 29 મેટ્રિકટન પી.પી.દાણાનો જથ્થો કે જેમાં 1200 બેગ હતી અને 28,60,210 ની કિંમતનો પ્લાસ્ટિકનો દાણાનો જથ્થો ભરીને ઇન્દોર ખાનગી કંપનીના ગોડાઉનમાં મોકલવા માટે રવાના કરાયો હતો.
ગત 31-10-2023ના દિવસે બંને ટ્રકમાં જથ્થો ભરીને રવાના કરાયો હતો, જે આજદિન સુધી ત્યાં પહોંચ્યો ન હતો, અને બંને ટ્રકના ચાલકો અન્ય સ્થળે પી.પી.દાણા લઈને ચાલ્યા ગયા હોવાથી આખરે ગૌરવ કુમાર ગોહેલ દ્વારા મેઘ પર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
જ્યાં ત્રણેય બ્રોકરો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે આઈપીસી કલમ 406, 420, 407 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે, અને ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.