ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ   ખોલવા માટે પ્રતિબંધ 1 - image


જામનગર, તા. 17 માર્ચ 2024, રવિવાર

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અનુસંધાને કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થાને ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓને, શ્રધ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફીકની ગેરવ્યવસ્થા થવાની પુરેપુરી સંભાવના રહે છે. જેના કારણે જાહેર સુલેહ-શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર પડી શકે છે. ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ ચૂંટણી આચાર સંહિતાના અમલ માટે તથા જામનગર જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભાવેશ એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ-144 હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામું ફરમાવેલ છે. 

જામનગર જિલ્લાના હદ વિસ્તારમાં નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

1. ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષાણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ/ સંકુલની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે. 

2. ઉપરોકત હુકમનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. આવા બેનરની સાઈઝ 4 ફુટ × 8 ફુટની મર્યાદામાં રાખવાની રહેશે.

3. કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહી. 

4. સ્થાનિક સતા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે.

5. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે. આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા. 06/06/2024 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.



Google NewsGoogle News