જામનગર જિલ્લામાં ઉતરાયણ પર્વ પર ચાઈનીઝ દોરા તથા તુક્કલના ઉત્પાદન, ઉપયોગ તથા વેચાણ પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
જામનગર, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર
આગામી તા.૧૪.૦૧.૨૦૨૪ના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવનાર છે. મકરસંક્રાંતિ દરમિયાન જામનગર જિલ્લામાં લોકો દ્વારા બહોળા પ્રમાણમાં પતંગો, ચાઈનીઝ લૅન્ટર્ન અને તુક્કલ ઉડાવવામાં આવે છે. આવા પતંગોની બનાવટમાં પ્લાસ્ટિક દોરી, સિન્થેટિક અને ઝેરી મટીરીયલ, લોખંડનો ભુક્કો, કાચ વગેરે હાનિકારક વસ્તુઓથી તૈયાર કરાયેલા પાકા દોરા, ચાઈનીઝ દોરી અને માંઝાનો ઉપયોગ થાય છે. આવા દોરાના કારણે માણસો અને અબોલ જીવો ગંભીર રીતે ઘાયલ થતા હોવાના અને મૃત્યુ પણ થતા હોવાના બનાવો બનતા હોય છે.
ચાઈનીઝ તુક્કલ/લૅન્ટર્નની બનાવટમાં નબળા ગુણવતાયુક્ત વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને નુકસાન થાય છે. તેમજ આવા સળગતા તુક્કલ ગમે તે સ્થળે પડવાથી જાનમાલ અને સંપત્તિને ઘણું નુકસાન થાય છે.
આથી આવા દોરાઓથી માણસો અને અબોલ જીવોને થતી વિપરીત અસર નિવારી શકાય તે માટે યોગ્ય નિયંત્રણ મૂકવું જરૂરી જણાય છે. આવા દોરા 'નોન બાયોડીગ્રેડીબલ' હોય છે. પતંગોત્સવ દરમિયાન તૂટેલા અને વણ-વપરાયેલા દોરાઓ જમીન પર પડી રહેવાથી પાણીના નિકાલની ગટર, પાઇપલાઇનો અને કુદરતી પાણીના વહેણ અવરોધાય છે.
ગાયો અને અન્ય પ્રાણીઓના ચારામાં આવા પ્લાસ્ટિકના દોરાઓ ભળી જતા હોવાથી પશુ મૃત્યુના બનાવો બનતા હોય છે. તેમજ વીજ લાઈનમાં પણ વિક્ષેપ ઉભા થતા હોય છે. જેથી શોર્ટ સર્કિટ થતા ગંભીર ઈજાઓ અને માનવ મૃત્યુના બનાવો બનવા પામે છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, બી.એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ જિલ્લામાં કોઈએ પણ આગામી તા.૧૬.૦૧.૨૦૨૪ સુધી પતંગો ઉડાડવા માટે પ્લાસ્ટિક, સિન્થેટિક કે ઝેરી મટીરીયલ, લોખંડનો ભૂકો, કાચ વગેરેથી તૈયાર કરાયેલા પાક દોરા કે, જેમાં ખાસ કરીને ચાઈનીઝ બનાવટના દોરાનો તથા ચાઈનીઝ લૅન્ટર્ન કે તુક્કલના ઉત્પાદન, ઉપયોગ કે વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ના ૪૫માં અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.