જામનગરની જિલ્લા જેલમાં આજીવન કેદની સજા પામેલા વધુ એક કેદીને સારી વર્તુણુંકના કારણે જેલ મુક્ત કરાયા
જામનગર,તા.18 માર્ચ 2024,સોમવાર
ગુજરાત રાજ્યના જેલ વિભાગના વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને કોરા 14 વર્ષ પુર્ણ કરેલાં હોઈ અને જેલમાં સારી વર્તણુંક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટેના હકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત ગઈકાલે તા.17-03-2024 ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકારના આદેશોનુસાર જામનગરની જીલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા કેદી ધનસુખ ભીખારામ કાપડીને સી.આર.પી.સી-432 હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરાયા છે.
આ કેદીને શરતો આધિન ગઈકાલે જેલ મુકત કરાયા છે. તેમજ તેના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવેલાં છે.
જામનગરની જેલના જેલર એન.એમ.જાડેજા તેમજ અન્ય જેલ સ્ટાફ દ્વારા ફુલહાર કરી મીંઠુ મોઢું કરાવાયું હતું. ઉપરાંત તેને ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવ્યા છે.