જામનગર મહાનગરપાલિકા દ્વારા સંતોષી માતાજીના મંદિર પાસે ગેરકાયદે ખડકી દેવાયેલી દિવાલ વગેરેનું દબાણ દૂર કરાયું
જામનગરમાં ખોડીયાર કોલોની રોડ- સંતોષી માતાજીના મંદિર પાસે કોઈ આસામી દ્વારા ઝૂંપડપતિ સાથેના વિસ્તારમાં મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે દિવાલ બનાવી દેવાઇ હતી, જ્યાં પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર ઉભું કરવાના ભાગરૂપે તે દિવાલને દૂર કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા (દબાણહટાવ શાખા) ના અધિકારી નીતિન દીક્ષિત, ઉપરાંત સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ સહિતની ટીમ દ્વારા આજે ખોડીયાર કોલોની માર્ગે સંતોષી માતાજીના મંદિર પાસે ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
પી.જી.વી.સી.એલ. દ્વારા જે સ્થળે વિજ ટ્રાન્સફોર્મર ઉભૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તે સ્થળે કોઈ આસામી દ્વારા ગેરકાયદે મોટી દીવાલ બનાવી દેવામાં આવી હતી, તે દિવાલને દૂર કરવા માટે આજે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા હથોડા વીંઝવામાં આવ્યો હતો, અને ગેરકાયદે દિવાલ દૂર કરી દેવામાં આવી છે. તેમજ વિજ દ્વારા તે સ્થળે વિજ ટ્રાન્સફોર્મર ઊભું કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.