Get The App

જામનગર શહેરમાં વિજ તંત્ર દ્વારા સ્માર્ટ વીજ મીટર મુકવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
જામનગર શહેરમાં વિજ તંત્ર દ્વારા સ્માર્ટ વીજ મીટર મુકવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ 1 - image


- પીજીવીસીએલ સબ ડિવિઝન હેઠળના 12,000 થી વધુ ઘર- દુકાનોમાં સર્વે કરી લેવાયો

જામનગર,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર

જામનગર શહેરમાં આગામી ફેબ્રુઆરી માસથી શહેરના મધ્ય વિસ્તારમાં સ્માર્ટ વિજ મીટર મૂકવાની વિજ તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના 12,000 થી વધુ રહેણાક મકાન દુકાન સહિતના સ્થળોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, અને આગામી દિવસોમાં લોકજાગૃતિ અંગેના કાર્યક્રમમાં પણ વિજ તંત્ર દ્વારા શરુ કરવામાં આવશે.

 કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયની સ્માર્ટ મીટરની સ્માર્ટ યોજનાનો પ્રારંભ ગુજરાતના પાયલેટ પ્રોજેક્ટ તરીકે જામનગર શહેરના મધ્ય વિસ્તારને પસંદ કરાયો છે, જેથી સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન વિસ્તારમાં અંદાજે 33 હજારથી વધુ રહેણાક તેમજ દુકાન-ઓફીસ સહિતના જોડાણો આવેલા છે, જે તમામમાં સ્માર્ટ વિજ મીટર મુકવા માટેની તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે, અને તે અંગેના સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 જામનગરના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની જુદી જુદી ટીમો દ્વારા શહેરના મધ્ય વિસ્તારો જેવા કે સાત રસ્તા, સુમેર ક્લબ રોડ, ગવર્મેન્ટ કોલોની, બેંક કોલોની, ગુરુદ્વારા આસપાસનો વિસ્તાર, લીમડા લેન, અંબર સિનેમા સામેનો વિસ્તાર, મંગલબાગ વિસ્તાર, પાંચ બંગલા, નવાગામ, ભીમવાસ, બેડીગેઇટ, ત્રણ બત્તી વિસ્તાર, પંચેશ્વર ટાવર વિસ્તાર, હવેલી રોડ, સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ચાંદી બજાર સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને અંદાજે 12,000 થી વધુ રહેણાંક મકાનો, દુકાનો,ઓફીસ સહિતના વિજ મીટર અંગે સર્વે પૂરો કરી લેવાયો છે. 

આગામી દિવસોમાં લોકજાગૃતિના જુદા જુદા કાર્યક્રમો હાથ ધરાશે, ત્યારબાદ ફેબ્રુઆરી 2024 માં જામનગર શહેરમાં સૌપ્રથમ સ્માર્ટ મીટર મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની સમગ્ર ટીમ મહેનત કરી રહી છે.

 સ્માર્ટ વિજ મીટર કઈ રીતે કાર્યરત થશે, તે અંગે લોકજાગૃતિના કાર્યક્રમ હાથ ધરાશે

જામનગર શહેરના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ફેબ્રુઆરી 2024 થી સ્માર્ટ વિજ મીટર લગાવવામાં આવશે, તે કઈ રીતે કાર્યરત થશે, અને તેની ઉપયોગીતા કઈ રીતે રહેશે, સાથોસાથ લોકોએ પોતાના મોબાઈલ ફોન મારફતે રિચાર્જ કરવા સહિતની પ્રક્રિયાઓ કઈ રીતે હાથ ધરી શકાય, તેની સમજ આપવા માટે તેમજ લોકજાગૃતિના કાર્યક્રમમાં પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

જેમાં લોકોને રિચાર્જના વિકલ્પોની સમજૂતી આપવામાં આવશે, તેમજ પ્રત્યેક ગ્રાહકના મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તે એપ્લિકેશનને ઉપયોગલક્ષી તાલીમ આપવામાં આવશે. સાથોસાથ લોક જાગૃતિ માટે સેમીનાર-વર્કશોપ તેમજ જન સંપર્કની પ્રવૃતિ પણ હાથ ધરવામાં આવશે તેની પણ તૈયારીઓ ચાલી રહી છે.

 જામનગરના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં સૌપ્રથમ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાશે, જે દરમિયાન લોકોએ આવા સ્માર્ટ મીટરને અપનાવી લઈ વહેલી તકે તેનો લાભ મેળવવા માટે સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.


Google NewsGoogle News