જામનગર PGVCLના વિજ તંત્ર દ્વારા બેડેશ્વર વિસ્તારમાં આઈસ ફેક્ટરીમાં ચેકિંગ દરમિયાન 45 લાખની વિજ ચોરી ઝડપી પાડી
image : Freepik
જામનગર.તા.29 નવેમ્બર 2023,બુધવાર
જામનગર શહેરમાં પીજીવીસીએલના તંત્ર દ્વારા રહેણાક વિસ્તારોમાં તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વિજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બેડેશ્વર વિસ્તારમાં આવેલી એક આઇસ ફેક્ટરીમાંથી રૂપિયા 45 લાખની વિજ ચોરી પકડાઈ છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા બેડેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ગજણ હમીદ હુસેનની આઈસ ફેક્ટરીમાં વિજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં 55 કિલોના વીજ કનેક્શન મારફતે વીજ ચોરી થતી હોવાનું ચેકિંગ ટુકડીને ધ્યાનમાં આવ્યું હતું. પટેલ કોલોની સબ ડિવિઝનની ચેકીંગ ટુકડીએ વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી, અને વિજ ચોરી પકડી પાડી હતી. જે ફેક્ટરીના સંચાલકને રૂપિયા 45 લાખનું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકાર્યું છે. જે ફેક્ટરીના સંચાલક દ્વારા લો ટેન્શન લાઈનમાં થાંભલા પરથી સીધું વીજ જોડાણ મેળવીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું.