પ્રજાના પૈસાનું પાણી! જામનગર પાલિકા દ્વારા કરોડોના ખર્ચે ખરીદાયેલી સીટી બસો પર ધૂળના થર જામ્યા
Jamnagar Corporation : જામનગર શહેરના નાગરિકોના ટેક્સના રૂપિયામાંથી ખરીદાયેલી કરોડો રૂપિયાની કિંમતની સિટી બસો ભંગાર થાય તે પહેલાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ જોરશોરથી ઉઠી છે. સરકારના નિર્ણય મુજબ ડીઝલ બસોને બદલે સીએનજી બસો શરૂ કરવામાં આવતાં, ડીઝલ બસો હવે નકામી બની ગઈ છે, અને ડેપોમાં પડેલી છે. આ બસો ખરીદવા માટે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ હવે તે બસો બિનઉપયોગી બની ગઈ છે.
જામનગર શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને વધુ બસોની જરૂરિયાત છે. જો કે, બજેટમાં ઇલેક્ટ્રિક બસો ખરીદવાની દરખાસ્ત મૂકવામાં આવી હોવા છતાં, હજુ સુધી આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં, હાલમાં બિનઉપયોગી પડેલી ડીઝલ બસોનું વેચાણ કરીને મહાનગરપાલિકાની તિજોરીમાં આવક વધારવાની જરૂર છે.
જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને ડીઝલ બસો ભંગાર થવાની સ્થિતિમાં હોવાથી, જો તાત્કાલિક નિર્ણય લેવામાં ન આવે તો આ બસોની કિંમત ઘટી જશે. આથી, નાગરિકોની માંગ છે કે મહાનગરપાલિકાએ આ બસોનું વેચાણ કરીને તિજોરીમાં આવક વધારવી જોઈએ.
સરકારના નિર્ણય મુજબ ડીઝલ બસોને બદલે સીએનજી બસો શરૂ કરવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક ખાનગી કંપનીને 15 સીએનજી બસોનું સંચાલન સોંપવામાં આવ્યું હતું. આમ, નાગરિકોના ટેક્સના રૂપિયામાંથી ખરીદાયેલી બસો ભંગાર થવા દેવામાં આવે છે તે ખૂબ જ ગંભીર બાબત છે. મહાનગરપાલિકાએ આ બાબતે ગંભીરતાથી વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ.