જામનગર શહેરમાં વધતા જતાં કોરોના સંક્રમણને લઈને પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું
- શહેરના ડી.કે.વી. રોડ પર રાત્રી કર્ફ્યુની અમલવારી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા પોલીસનું કોમ્બિંગ
જામનગર,તા.1 નવેમ્બર 2021,સોમવાર
જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દેખાવા લાગ્યું છે, અને દિવાળીના તહેવારો દરમિયાન જો ભીડ એકઠી થાય, અને કોરોનાનું સંક્રમણ વધે નહીં, તેની તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે, અને રાત્રિ કરફ્યુની અમલવારી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા સહિતની કોરોનાની ગાઈડલાઈનને અનુસરવા માટેના ચાંપતા પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે.
જામનગરના સીટી બી. ડિવિઝનના પીઆઇ કે.જે.ભોયે, અન્ય પી.એસ.આઇ. ઉપરાંત સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ. તથા અન્ય મહિલા પોલીસ કર્મચારી વગેરેને સાથે રાખીને નાઈટ કોમ્બિંગ અને ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ગઈ રાત્રે ડીકેવી રોડ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, અને લોકો માસ્ક પહેર્યા વિના બહાર ના નીકળે તેની તકેદારી રાખવા માટે તેમજ રાત્રી કરફ્યુ ની અમલવારી જળવાઈ રહે, જે સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને નાઇટ રાઉન્ડ શરૂ કરી દેવાયા હતા. અને લોકોને કોરોના બાબતે સાવધાન રહેવા ચેતવણી અપાઇ હતી.