દરેડની મુકબધીર બાળકી પરિવારથી વિખુટી પડ્યા પછી પોલીસે મિશન મુસ્કાન હેઠળ પરિવાર સાથે મિલન કરાવ્યું
જામનગર નજીક દરેડમાં રહેતી ૧૧ વર્ષની મુકબધીર બાળકી તેના વાલી સાથે ખરીદી કરવા જામનગર આવી હતી, અને વિખુટી પડી ગઈ હતી. જેને પોલીસે શોધી લીધા પછી તેના પિતાનો સંપર્ક કર્યો હતો, અને મિશન મુસ્કાન હેઠળ પરિવાર સાથે બાળકીનું મિલન કરાવ્યું હતું. જેથી પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો.
જામનગર નજીક દરેડમાં રહેતા અમરીશભાઈ લાલદાસભાઇ કાપડી કે જેની ૧૧ વર્ષની પુત્રી કે જે જન્મથી જ મુકબધીર હતી અને કશું બોલી શકતી ન હતી. તે ગઈકાલે તેના પરિવાર સાથે દિવાળીની ખરીદી અર્થે જામનગર આવી હતી, અને સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાંથી પરિવારથી વિખૂટી પડી હતી. જે બાળકી છેક બેડી ઇકબાલચોક સુધી પહોંચી હતી, અને એકલી રડતી હતી.
આથી બેડીમરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે બાળકીનો કબજો લઈ પોલીસ મથકે લઈ આવ્યા પછી હ્યુમન સોર્સિસ ના આધારે તેના પરિવારને શોધી લીધા હતા. બાળકી ના પિતા અમરીશભાઈ પરિવાર સાથે પોલીસ સ્ટેશનને આવી પહોંચ્યા હતા, અને બાળકીનો કબજો સંભાળી લઈ પોલીસ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.