જામનગર શહેર તેમજ નાઘેડીમાં ગત રાતે પોલીસના દારૂ અંગે પાંચ સ્થળે દરોડા
Image Source: Freepik
જામનગર શહેર તેમજ નાઘેડીમાં પોલીસે દારૂના જુદા જુદા પાંચ દરોડા પાડી ઈંગ્લીશ દારૂની 27 બોટલ તેમજ 77 ચપટા કબ્જે કરી ચાર શખ્સોને ઝડપી પાડયા છે. જ્યારે બે શખ્સોને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં આર્યસમાજ રોડ પર મીરા દાતારની દરગાહ પાછળ રહેતો ઈરફાન ઉર્ફે એલ્બો ઈસ્માઈલ બ્લોચ નામનો શખ્સ પોતે ખાનગીમાં દારૂનું વેચાણ કરતો હોય તેવી બાતમી પોલીસને મળતાં તેમના રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાં સંતાડવામાં આવેલ રૂ. 11 હજારની કિંમતની 22 બોટલ મળી આવતા મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી હાજર મળી આવેલ ન હોય તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત મૂળ કલ્યાણપુરના ભીંડા ગામે રહેતો અને હાલ જામનગર નજીકના ગોરધનપર ગામે રહેતો રવિ સાજણભાઈ ભીંડા નામનો શખ્સ પોતાના જીજે10 ઈએ 4777 નંબરના મોટર સાયકલ પર નાઘેડીના પાટિયા પાસે ગ્રીન વીલ માર્ગેથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેને આંતરી તલાશી લેતા તેના કબ્જામાંથી રૂપિયા પાંચ હજારની કિંમતના ઈંગ્લીશ દારૂના 50 ચપલા મળી આવ્યા હતા. જેથી મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.
જ્યારે મૂળ પોરબંદરના રોઝડા ગામે રહેતો અને હાલ શહેરના રણજિતસાગર રોડ પર સાઈબાબાના મંદિર પાસે, વૃંદાવન શેરી નંબર ર માં હરદીપસિંહ મંગલસિંહ જેઠવા નામનો શખ્સ રણજિતસાગર રોડ પર કુદરત બંગલોની સામે સરદાર પાર્ક પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેને રોકી તેની તલાશી લેતાં તેના કબ્જામાંથી 2000 કિંમતની ચાર ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ 2500ની કિંમતના દારૂના રપ ચપલા મળી આવતાં મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત જામનગરના સાધના કોલોની, બ્લોક નંબર એમ–54, રૂમ નંબર 3903માં રહેતો મન અનિલભાઈ વ્યાસ નામનો બ્રાહ્મણ યુવાન સાધના કોલોનીના પહેલાં ઢાળિયા પાસેથી પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતાં તેમના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂના બે ચપટા મળી આવતાં આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે દિવ્યેશ ઉર્ફે દિવલો મનસુખભાઈ ચૌહાણ નામના શખ્સને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે શહેરના ગોવાળની મસ્જિદ, ભાટની આંબલી પાસે, તળાવ ફળી પાસે રહેતો હાર્દિક અતુલભાઈ ચુડાસમા નામનો શખ્સ જોલી બંગલા પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ધરપકડ કરી છે.