જામનગરમાં નાગનાથ ગેટ પાસે હોમગાર્ડના જવાનનો પગ કચડી નાખનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
જામનગરમાં નાગનાથ ગેટ પાસે હોમગાર્ડના જવાનનો પગ કચડી નાખનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો 1 - image


- કાલાવડ નજીક સોરઠા ગામ પાસે બે બાઈક સામસામે અથડાઈ પડતાં એક બાઈક ચાલક ખેડૂત યુવાન ગંભીર સ્વરૂપે ઘાયલ

જામનગર, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર

જામનગર જિલ્લામાં વાહન અકસ્માતોની પરંપરા આવીરત ચાલુ રહી છે અને જામનગર શહેર અને કાલાવડ પંથકમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ છે.

સૌપ્રથમ જામનગર શહેરમાં નાગનાથ ગઈટ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. જામનગરમાં સુભાષ બ્રિજ પાસે રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા પરેશ લક્ષ્મણભાઈ દાઉદીયા (ઉંમર 36) કે જેને નાગનાથ ચોકડી પાસે જી.જે.12 એ.યુ. 5817 નંબરના ટ્રક ચાલકે હડફેટમાં લઇ પગ કચડી નાખ્યો હતો.

જે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે હોમગાર્ડના જવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક કબજે કરી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત નો બીજો બનાવ કાલાવડ તાલુકાના સોરઠા ગામ પાસે બન્યો હતો. ત્યાં બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડતાં એક બાઈક ના ચાલક જામનગર તાલુકાના જગા મેડી ગામમાં રહેતા ભરતસિંહ ગોપાલસિંહ જાડેજા નામના 43વર્ષના ખેડૂત યુવાનને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

જે અકસ્માત સર્જનાર જી.જે.-૩ ડી.એચ. 7270 નંબરના બાઇક ચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ છે.

અકસ્માત નો ત્રીજો બનાવ કાલાવડ થી રણુંજા તરફ જવાના રોડ પર બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા એક યુવાનને કોઈ અજ્ઞાત કારના ચાલકે હડફેટમાં લઈ ઇજા પહોંચાડી હતી અને બંને પગ ભાંગી નાખ્યા હતા.

જે યુવાનના કાકા ગીરીશભાઈ અમરશીભાઈ ગોહેલે અજાણ્યા ફોરવ્હીલ ના ચાલક સામે કાલાવડ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News