જામનગર નજીક વિભાપર ગામમાં રહેતા અનુસૂચિત જાતિના દંપત્તિને હડધૂત કરવા અંગે ત્રણ મહિલા સામે પોલીસ ફરિયાદ
- અનુ સુચિત પરિવારની બે બાળાઓને ગોરણીમાં જમાડતી વખતે અનુ સુચિત જ્ઞાતિના હોવાથી અલગ બેસાડતાં યજમાન મહિલાને સમજાવવા જતાં તકરાર થઈ
જામનગર,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર
જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા એક અનુસૂચિત જાતિના દંપતીએ પોતાને સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે વિભાપર ગામની ત્રણ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આરોપી મહિલા કે જેમણે પોતાના ઘેર ગોરણી તરીકે અનુ સુચિત પરિવારની બે બાળાઓને જમવા માટે બોલાવ્યા પછી અનુ સુચિત જ્ઞાતિના હોવાના કારણે નિવેદ અભડાશે, તેમ કહી જુદા બેસાડી હતી. જે અંગે જુદારો નહિ રાખવા માટે સમજાવવા જતાં મામલો બીચકયો હતો, અને અનુ સુચિત દંપતિને હડધુત કરાયા હતા.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક વિભાગમાં આંબેડકર ચોક વિસ્તારમાં રહેતી પૂજાબેન મહેશભાઈ મકવાણા નામની મહિલાએ પોતાને તેમજ પોતાના પતિને અનુ સુચિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હદધૂત કરવા અંગે વિભાપર ગામમાં રહેતી પાયલબેન પટેલ અને તેની સાથેની અન્ય બે મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પાયલબેન પટેલ કે જે યજમાન બની હતી, અને પોતાના ઘેર નિવેદ રાખ્યા હોવાથી આસપાસના વિસ્તારની નાની બાળાઓને ગોરણી તરીકેના પ્રસંગમાં જમણવાર માટે બોલાવી હતી. જે દરમિયાન પૂજાબેનની બે પુત્રીઓ કે જે અનુ સુચિત જ્ઞાતિના હોવાથી નિવેદ અભડાય નહીં, તેમ કહી તેઓને અલગ જમવા માટે બેસાડી હતી.
જેઓએ પોતાના ઘેર જઈને માતા-પિતાને વાત કરતાં અનુ સુચિત દંપત્તિ પાયલબેન પટેલના ઘરે ગયું હતું, અને અલગ શા માટે બેસાડો છો, તેમ કઈ સમજાવવા માટે ગયા હતા. દરમિયાન ત્યાં હાજર ત્રણ મહિલાઓએ દંપતિને હડધુત કર્યું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.