જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં બે કારખાનામાં થયેલી રૂપિયા ત્રણ લાખની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો

Updated: Nov 2nd, 2021


Google NewsGoogle News
જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં બે કારખાનામાં થયેલી રૂપિયા ત્રણ લાખની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો 1 - image


- સીટી-સી ડિવિઝન પોલીસે બંને ચોરી કરનાર એક તસ્કરને રોકડ સાથે પકડી પાડ્યો: રિમાન્ડ પર લેવા કાર્યવાહી

જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર 

જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં જુદાજુદા બે કારખાનામાંથી રૂપિયા ત્રણ લાખની માલમત્તાની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરા ઉપયોગી સાબિત થયા છે, અને સીટી-સી ડિવિઝન પોલીસે તસ્કરને રોકડ રકમ સાથે પકડી પાડયો છે. જેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં તાજેતરમાં બે કારખાનામાંથી ત્રણેક લાખની રોકડ સહિતની માલમત્તાની ચોરી થઈ હતી. જે અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદના અનુસંધાને સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા કારખાનામાં લગાવાયેલા સીસીટીવી કેમેરાઓ ના ફૂટેજ નિહાળ્યા પછી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા લખમણ માંડણભાઇ અસવાર નામના એક શખ્સને વર્ણનના આધારે પકડી પાડયો હતો, અને તેની પાસેથી રૂપિયા 80 હજારની રોકડ રકમ કબજે કરી લીધી હતી. જે તસ્કરની પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત બંને ચોરી કરી હોવાની કબુલાત આપી છે. પોલીસ દ્વારા આરોપીને રીમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News