Get The App

જામનગરમાં લીમડા લાઈનમાં રાત્રીના સમયે વીજ પુરવઠો ખોરવાતાં સ્થાનિક લોકો દ્વારા વિજ કચેરીનો ઘેરાવો

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
જામનગરમાં લીમડા લાઈનમાં રાત્રીના સમયે વીજ પુરવઠો ખોરવાતાં સ્થાનિક લોકો દ્વારા વિજ કચેરીનો ઘેરાવો 1 - image

image : Freepik

Power Outage in Jamnagar : જામનગરના લીમડાલેન વિસ્તારમાં ગત રાત્રીના 12 કલાકે રાજ લક્ષ્મી બેકરીની બાજુમાં આવેલ ટ્રાન્સફોર્મરમાં ધડાકા ભેર અવાજ આવતાં લીમડા લાઈન તથા રજપુતપરા વિસ્તારમાં પાવર સપ્લાય બંધ થયો હતો. 

જે ફરિયાદના પગલે સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરીના નાયબ ઇજનેર દ્વારા તેમની ટેકનીકલ ટીમ તાત્કાલિક ધોરણે સૂચના આપતાં ટીમ સ્થળ પર પહોંચી હતી, અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ હતી. જ્યાં બે ગાળાના મોટા કેબલ બળી ગયા હતા, તેમને ચાલુ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. 

ત્યારબાદ ફરી આ જ જગ્યાએ તેમજ અન્ય જગ્યાએથી કેબલ બળી જતાં ફરી આ વિસ્તારના એક ટ્રાન્સફોર્મરનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેથી આ વિસ્તાર તથા અહીંના એપાર્ટમેન્ટના અમુક લોકો લાલ બંગલો વીજ કચેરીએ પહોંચ્યા હતા. અને ત્યાં ફોલ્ટ સેન્ટરની અંદર ઘુસી જઇ ટેલીફોન ઓપરેટરને ઘેરી લીધા હતા. અને તાત્કાલિક આ વિસ્તારનો પાવર સપ્લાય ચાલુ કરવામાં આવે તો જ કચેરી છોડશે તેવું જણાવવામાં આવ્યું હતું. 

જામનગરમાં લીમડા લાઈનમાં રાત્રીના સમયે વીજ પુરવઠો ખોરવાતાં સ્થાનિક લોકો દ્વારા વિજ કચેરીનો ઘેરાવો 2 - image

આ સમયે નવાગામ તથા ભીમવાસ તથા અન્ય વિસ્તારોમાં કામ કરી રહેલી સેન્ટ્રલ ઝોનની ટેકનીકલ ટીમ તાત્કાલિક આ સ્થળ પર કામ કરવા ફરી રાત્રીના 2 વાગ્યે પહોંચી હતી અને ફરી રીપેરીંગ કામ શરૂ કર્યું હતું. અને એકાદ કલાકની મહેનત બાદ નવો એલટી. કેબલ સાથે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. 

આ વિગત સંબંધિત અધિકારીને પૂછતા જણાવેલ છે કે આ વિસ્તારના આ ટ્રાન્સફોર્મરમાં આવતા વીજ ગ્રાહકોની વીજ જોડાણની જેટલી નિયમ મુજબની માંગણી છે, તેમના કરતા બિન અધિકૃત રીતે વધુ વીજ ભારનો વપરાશ કરતા હોવાથી જે કેપેસીટીનાં એલ.ટી. કેબલ નાખવામાં આવેલા છે, તેમાં ઓવરલોડનાં કારણે અલગ અલગ જગ્યાએથી પ્રતિભાવ મળે છે એટલે વીજ પુરવઠો ખોરવાઈ છે. આ બાબતે આ વિસ્તારના ગ્રાહકોને વીજભારમાં વપરાશ મુજબ કાયદેસરની માંગણી કરી લેવા જણાવાયું છે. પરંતુ કોઈ દ્વારા આ બાબતે હકારાત્મક પગલાં લેવામાં આવતા નથી અને ઓવરલોડને કારણે કેબલ બળવવાના પ્રશ્નો ઉપસ્થિત થતા રહે છે. 

ઉલ્લેખનીય છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલમાં ગરમીને કારણે દરેક ઘરોમાં પંખા તથા એસીનો ઉપયોગ વધી રહ્યો છે, તેમજ આટલા ગરમ વાતાવરણમાં ઓવરલોડને કારણે એલ.ટી. કેબલ બળવાના તથા સ્પાર્ક થવાના બનાવોની ફરિયાદો વધુ નોંધાય છે. અને જેના કારણે કચેરી સ્ટાફને હાલમાં વધુ વીજ ફરિયાદો નિવારવામાં દોડ ધામ વધી જવા પામી છે. 

નાયબ ઇજનેર દ્વારા લોકોને જણાવવામાં આવે છે કે જ્યારે પણ ગ્રાહકો પોતાના ઘરમાં વીજ ભારનો વધારો કરે એટલે કે કોઈ વધુ વીજ ઉપકરણો વસાવે તો તેમની જાણ ક્ષેત્રીય કચેરીને અચૂક કરે અને કરારીત વીજભારમાં વધારો મેળવવાની કાર્યવાહી હાથ ધરે. તેમજ જો કોઈ વિસ્તારમાં વીજભારમાં વધારો હોય અને હયાત ઇલેક્ટ્રીક નેટવર્કને મોટું કરવાની જરૂરિયાત ઊભી થાય તો પોલ અને ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવે ત્યાં બિનજરૂરી વાંધા ઉપસ્થિત ન કરે અને નેટવર્ક ઉભુ કરવામાં સહયોગ આપે. અને ગ્રાહકો કરારિત વીજભાર કરતા વધુ વીજભારનો વપરાશ ન કરે.


Google NewsGoogle News