જામનગર નજીક વીજ પોલ પર કામ કરી રહેલા PGVCLના હેલ્પરનું કરંટ લાગતા મૃત્યુ

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક વીજ પોલ પર કામ કરી રહેલા PGVCLના હેલ્પરનું કરંટ લાગતા મૃત્યુ 1 - image


Jamnagar News : જામનગર તાલુકાના દડીયા અને નારણપર ગામની વચ્ચે વીજ લાઈનનું સમારકામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન વિજ પોલ પર સમારકામ કરી રહેલા પીજીવીસીએલના હેલ્પરને વિજઆંચકો લાગ્યો હતો અને નીચે પટકાઈ પડ્યા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. જે મામલે વિજ તંત્રની ટીમ તેમજ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને પીજીવીસીએલમાં હેલ્પર તરીકે કામ કરતો જયેશ ધનજીભાઈ ભાંભી નામના 37 વર્ષનો વીજકર્મી યુવાન ગત 17.7.2024 ના રાત્રીના ત્રણેક વાગ્યાના સમયે જામનગર સમાણા રોડ પર દડીયા ગામ પાસે પીજીવીસીએલના થાંભલા પર ચડીને નાઈટ ડ્યુટી દરમિયાન સમારકામ કરી રહ્યો હતો. 

દરમ્યાન અકસ્માતે તેને વિજ આંચકો લાગતાં થાંભલા પરથી નીચે પટકાઇ પડ્યો હતો, અને તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ વિજય ધનજીભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલએ પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ બનાવ કઈ રીતે બન્યો છે તે મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ઉપરાંત વિજ તંત્રની ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા પણ આ મામલે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News