જામનગરના મેડિકલ બોર્ડમાં લાંચકાંડમાં સંડોવાયેલા પટ્ટાવાળાને સસ્પેન્ડ કરી દાહોદ બદલી કરાઈ
Jamnagar News : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના લાંચ કાંડમાં અંતે આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે, અને ફરારી આરોપી પટાવાળાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દઈ તેની બદલી દાહોદ કરી દેવામાં આવી છે.
જામનગરના જી.જી.હોસ્પિટલના મેડિસીન વિભાગમાં પટાવાળા તરીકે કામ કરતા અશોક પરમાર નામના શખ્સે અમરેલીના શિક્ષક પાસેથી મેડિકલ સર્ટીફીકેટ કાઢવા માટે રૂ.25 હજારની લાંચ માંગી હતી, જે બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, પરંતુ આ ટ્રેપની ગંધ આવી જતાં પટાવાળો અશોક પરમાર પાવડરવાળી નોટો પરત આપી નાસી છૂટયો હતો. જે હજુ હાથમાં નથી આવ્યો, ત્યાર બાદ મેડિસીન વિભાગમાં ચાલતી અનેક ગોંબાચારીઓ બહાર આવી હતી. પટાવાળાને ચેમ્બર આપવામાં આવી હતી તેમજ તે વહિવટી અધિકારીની નેઇમ પ્લેટ લગાડીને કામ કરતો હતો, આ ઉપરાંત અનેક લોકો મેડિકલ સર્ટીફીકેટ અને દારૂની પરમીટના ભોગ બન્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. દરમિયાન ઢાંકપીછોડો કરવા નાના પટાવાળાઓની મેડિસીન વિભાગમાં બદલીઓ કરવામાં આવી, તેમજ બે કલાર્કને પાણીચું આપી દેવામાં આવ્યું, પરંતુ મોટા માથાઓ કોઈ સામે ન આવ્યા. દરમિયાન આ મામલાની ગંભીરતાને આરોગ્ય વિભાગે લીધું હતું અને સુપ્રિ. ડો. દિપક તિવારીને તમામ કાગળો સાથે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતાં, જયાં તેમની પાસે થી તમામ વિગતોની ચર્ચા કરી અને કાગળો તપાસ્યા હતા. દરમિયાન આરોગ્ય વિભાગના નાયબ નિયામકે તાત્કાલિક લાંચ કાંડમાં સંડોવાયેલા પટાવાળા અશોક પરમારની બદલી દાહોદ ફિઝીયોથેરાપી કોલેજમાં કરી તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી નાખતાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો પોલીસ હજુ આરોપીને શોધી રહી છે.