Get The App

જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ : પ્રજાના કલ્યાણ કરતા ભ્રષ્ટાચારને પ્રાધાન્ય

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ : પ્રજાના કલ્યાણ કરતા ભ્રષ્ટાચારને પ્રાધાન્ય 1 - image


Jamnagar News : જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. 

ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે. 

સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટર વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ, અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.

 લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂરી છે.


Google NewsGoogle News