કોલકત્તામાં મહિલા તબીબ સાથેના જધન્ય અપરાધના પ્રશ્ને જામનગરના 500થી વધુ તબીબોનો ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો
Jamnagar Doctor Protest : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના જુનિયર અને રેસીડેન્ટ તબીબો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતાં હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ જી.જી.હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રખાઇ: 500 થી વધુ તબીબો હડતાલ પર ઉતર્યા આજે વહેલી સવારે મેડિકલ કોલેજ પરિસરમાં તમામ તબીબોએ એકત્ર થઈ હાથમાં પ્લે કાર્ડ રાખી સૂત્રોચાર કર્યા કોલકત્તાની સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલા જધન્ય અપરાધના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે. જેનો રેલો જામનગર સુધી પણ આવી ચૂક્યો છે અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના 500 થી વધુ તબીબો આજે વીજળીક હડતાલ પર ઉતરી ગયા છે. ચોક્કસ મુદત માટે હડતાલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો છે અને જાહેરમાં પ્લેકાર્ડ દર્શાવી સુત્રોચાર કર્યા છે. જોકે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રખાઇ છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના જુનિયર તેમજ સિનિયર તબીબો કે જેઓની સંખ્યા 500 થી વધુ થવા જાય છે. તે તમામ તબીબો આજે હોસ્પિટલની તમામ સેવાથી દૂર રહી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી દીધી છે. દરમિયાન આજે સવારે 10 વાગ્યે જી.જી. હોસ્પિટલના તમામ તબીબો મેડિકલ કોલેજ કેમ્પસમાં બહોળી સંખ્યામાં એકત્ર થયા હતા, અને પોતાના હાથમાં કલકત્તાની ઘટનાનો વિરોધ દર્શાવતા સૂત્રોચાર લગાવીને પ્લે કાર્ડ દર્શાવ્યા હતા અને સમગ્ર ઘટનાને વખોડી કાઢી, તબીબોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. જી.જી.હોસ્પિટલના તબીબોની હડતાલને પગલે હોસ્પિટલની કામગીરીને વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે અને તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.
સરકારી તબીબો પર હુમલાની ઘટના રોજબરોજના જીવનનો એક ભાગ બની રહ્યો છે
તબીબોનો આક્રોશ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના તમામ તબીબો જેમાં ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિયેશન (જેડીઓ)ના હોદ્દેદારો ઉપરાંત ગુજરાતના ઇન્ટર્ન જુનિયર આર-1, આર-2, અને આર-3 તેમજ સિનિયર રેસિડેન્ટ (એસ.આર)ના તમામ સભ્યો દ્વારા ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરાયું છે, અને ઓપીડી સહિતની તમામ બીન ઇમરજન્સી સેવાઓ થી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. માત્ર ઇમરજન્સી સેવા રાઉન્ડ ધ ક્લોક ચાલુ રખાઇ છે.
તબીબોના જણાવ્યા અનુસાર હાલ સમગ્ર દેશ ભર તબીબો પર હુમલાના આવા ગુનાઓ રોજબરોજના જીવનનો એક ભાગ બની રહ્યા છે. જેથી તબીબી વિદ્યાર્થીની એકતાની અભિવ્યક્તિ તરીકે અમારૂં પશ્ચિમ બંગાળના તબીબોના એસોસિએશનની સમર્થનમાં છે અને તેઓની તમામ માંગણીઓ જવાબદાર અધિકારીઓ દ્વારા પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આજે 16મી ઓગસ્ટ 2024 થી મજબૂત ન્યાયની લડત માટે અચોક્કસ મુદતની હડતાલ પર રહીશું તેવો સુર વ્યક્ત કર્યો હતો.