જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આજે વહેલી સવારે વધુ એક બિલ્ડીંગનો હિસ્સો ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આજે વહેલી સવારે ફરીથી દુર્ઘટના સર્જાઇ છે, અને એક જર્જરીત બિલ્ડીંગ નો અડધો હિસ્સો ધડાકાભેર જમીન દોસ્ત થઈ જતાં તેમાં આશરો લેવા સુતેલા એક અજ્ઞાત યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. તંત્રએ અગાઉથી બિલ્ડીંગ ખાલી કરાવ્યું હોવાથી અન્ય જાનહાનિ થઈ ન હતી. બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓનો કાફ્લો ફાયર વિભાગની ટીમ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને ડિમોલેશન હાથ ધર્યું હતું.
સૌપ્રથમ ઇજાગ્રસ્ત યુવાનને બહાર કાઢીને સારવારમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહજ પહોંચ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા આસપાસના અન્ય બે જર્જરીત બિલ્ડિંગ ને તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
જામનગરમાં આજે વહેલી સવારે પોણા પાંચેક વાગ્યાના અરસામાં બનેલી દુર્ઘટના ની વિગત એવી છે કે સાધના કોલોની વિસ્તારમાં આવેલા બ્લોક નંબર એમ.-63 કે જેનો જર્જરીત અડધો હિસ્સો ધડાકાભર ધરાસાઈ થઈ ગયો હતો. જેનો અવાજ આવતાં આસપાસના રહેવાસીઓ જાગી ગયા હતા, અને ધીમીધારે વરસાદ ચાલુ હતો તેમ છતાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
જે બિલ્ડીંગના કાટમાળમાં એક અજાણ્યો વ્યક્તિ કે જે બિલ્ડીંગમાં આશરો લેવા માટે આવીને સૂતો હતો, જે દબાયો હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. મહાનગરપાલિકાના તંત્રને આ બનાવની માહિતી મળતાં ખુદ મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની, જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોય તથા અન્ય ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફાયર શાખાની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને કાટમાળમાં દબાયેલા અજાણ્યા વ્યક્તિને બહાર કાઢ્યો હતો, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. આ બનાવને લઈને સાધના કોલોની વિસ્તારમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું અને જે વીંગ નો અડધો હિસ્સો ધરાશાઇ થયો છે, તેની ફરતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા ની ટુકડી દ્વારા સાધના કોલોની વિસ્તારમાં જ આવેલા અન્ય બે બ્લોક કે જે પણ અતી જર્જરીત અવસ્થામાં હોવાથી તાત્કાલિક અસરથી ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તેથી તે બિલ્ડીંગ ના રહેવાસીઓમાં પણ ભારે દોડધામ થઈ છે.